અનંત રાઠોડ ~ મને હાથમાં લઈને * Anant Rathod

*ભુક્કો કરે છે *

મને હાથમાં લઈને બાળકની જેમ જ રમે છે ને ભાંગીને ભુક્કો કરે છે,
પછી યાદ આવું છું ત્યારે ફરીથી એ જ્યાં ત્યાંથી વીણીને ભેગો કરે છે.

મને સાંજ દરરોજ જાદુગરીની અનોખી કરામત બતાવે છે સાંભળ,
પ્રથમ એક ટુકડો સ્મરણનો એ લે છે પછી એ જ ટુકડાનો ડૂમો કરે છે.

નગરની આ રોનકને આંખોમાં આંજી ને છાતીમાં કાળી તરસને ઉછેરી,
અમારી ગલીનાં વળાંકે ઊભી રહી ખુશીની ક્ષણો રોજ ધંધો કરે છે.

હું ઊભો છું વરસોવરસથી અહીં એક મોંઘી જણસ કોઈની સાચવીને,
કોઈ વનમાં વરસોવરસથી ગયું છે ને માયાવી મૃગનો એ પીછો કરે છે.

જે તણખાની વાતો કરે છે સતત એમને કૈં જ કીધું નથી મેં હજું પણ,
હું છોડીને આવ્યો છું એવા નગરને, હવા પણ જ્યાં આવીને દીવો કરે છે.

~ અનંત રાઠોડ

અહીં લાંબી બહેરની ગઝલમાં કવિએ પ્રલંબ છંદોવિધાન સાથે કલ્પનો અને પ્રતિકોને સર્જનાત્મક રીતે પ્રયોજ્યાં છે. ગઝલનો આરંભ રોમેન્ટિક છે. એમાં દર્દ છે પણ અભિવ્યક્તિ પ્રસન્નતાકારી છે. નટખટ પ્રિયતમા તેના પ્રેમીને હાથમાં લઈને તેની સાથે બાળકની જેમ રમે છે. હાથમા઼ંથી બાળક નીચે પડી જાય અને કવિનો કે પ્રેમીનો ભાંગીને ભુક્કો થઈ જાય છે. સ્મૃતિમાં તો આવું બનતું હોય છે. રમત તો રમતા રમાઈ ગઈ પણ પછી પ્રિયતમાને ભૂલ સમજાય છે અને જ્યારે ગઝલનાયકની યાદ આવે છે ત્યારે તૂટી પડેલા પ્રેમીના ટૂકડાઓ જ્યાં ત્યાંથી ભેગા કરીને એ સ્મૃતિનો આયનો સાંધવાનો પ્રયાસ કરે છે. કલ્પના અહીં વાસ્તવની સાથે સાથે કવિ ચેતનામાં પ્રસરતી રહે છે.

બીજા શેરમાં પ્રિયતમા સ્મરણોના ટૂકડાઓથી રમે છે છે. ત્રીજા- ચોથા શેરોમાં કથન પલટો કરીને કવિ નવી દ્રશ્યાત્મક અનુભૂતિઓ વડે સબ્જેકટિવ રોમાંસમાંથી નીકળીને ઓબ્જેકટિવ જનરલાઈઝેશનમાં નવું દર્શન કરે છે. નગરની રોનક તમે ઈચ્છો કે ન ઇચ્છો પણ તમને આંજી જ દેતી હોય છે પછી ભલે છાતીમાં કાળી તરસ ઉછરી રહી હોય.  મૂળ તલપ ખુશીની છે અને કવિ છેવટે કહી જ નાંખે છે કે ” અમારી ગલીના વળાંકે ઊભી રહી ખુશીની ક્ષણો રોજ ધંધો કરે છે.

કવિ પોતે વરસોથી કોઈ મોંઘી ચીજ લઈને ઊભા છે, પ્રતિક્ષા કરે છે. કોઈ વરસોવરસથી ચાલી ગયું છે અને તે માયાવી મૃગનો પીછો કરી રહ્યું છે. અહી઼ ચમત્કૃતિ છે અને ગઝલના અંતિમ પાંચમા શેરમાં કવિની કલ્પનાશીલતા આવી જ ચમત્કૃતિ વડે ‘હવા પણ જ્યાં આવી દીવો કરે છે!’ સમગ્રતયા તાજગી સાથેનો નવો અભિગમ અને વિશિષ્ટ પરિવેશ સાથે લાંબી બહેરમાં પ્રગટતી અભિવ્યક્તિ કવિને નીજી મૌલિકતા સાથેની ગઝલના દરજ્જામાં સ્થાન આપે છે.

~ પ્રફુલ્લ પંડ્યા

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

14 thoughts on “અનંત રાઠોડ ~ મને હાથમાં લઈને * Anant Rathod”

  1. રતિલાલ સોલંકી

    ખૂબ સુંદર.ગઝલ અને અવલોકન બંને.
    બન્ને સર્જકોને હાર્દિક અભિનંદન.

  2. હરીશ દાસાણી.મુંબઈ

    અભિવ્યકિતની અલ્લડતા,મૌલિકતા અને કૌતુક ઉત્પન્ન કરતું ભાવકથન આ ગઝલના શેરને અનોખું સૌંદર્ય આપે છે.

  3. ઉમેશ જોષી

    સકળ શે’ર હ્રદયગમ્ય છે.
    આસ્વાદ ખૂબ સરસ છે.

  4. દિલીપ જોશી

    જાત નિરીક્ષણ અને સ્વગોક્તિભરી તાજગીયુક્ત રજૂઆત ગઝલમાં નોંધપાત્ર છે.બાકીનું ગઝલને ખોલી આપવાનું કામ પ્રફુલ્લભાઈ પંડ્યાએ સાહજિકપણે નિભાવ્યું છે.બન્ને સર્જકોને મારા અભિનંદન.

  5. Kirtichandra Shah

    કોને કોને ઘનયવાદ આપું ગઝલકારને, આસ્વાદ કરાવનાર ને કે ઊપરોકત સૌ આસ્વાદ કરનારોને. આપ સૌ ખૂબ ઘનયવાદ ને પાત્ર છોજ અને આપણા લતાબેન.તો ખરાજ

  6. આસ્વાદે રચનાને ઉઘાડવામાં મદદ કરી છે. અભિનંદન

  7. લલિત ત્રિવેદી

    ગુજરાતી ગઝલમાં એક નોંધપાત્ર ગઝલ. અભિનન્દન અને રાજીપો, કવિ

  8. લલિત ત્રિવેદી

    સરસ આસ્વાદ, પ્રિય પ્રફુલ્લભાઈ

  9. Pingback: 🍀19 જુન અંક 3-1188🍀 - Kavyavishva.com

  10. સુરેશ 'ચંદ્ર'રાવલ

    અનંતની ગઝલ પર શ્રી પ્રફુલ્લ પંડ્યાએ ખૂબ સુંદર રીતે છણાવટ કરી છે.. બહું જૂની ગઝલ પણ અતિ પ્રભાવક… ગઝલનું ચયન કરવા માટે લતાબેન આપને પણ અભિનંદન….

Scroll to Top