આશા પુરોહિત ~ આ તે કંઈ * Asha Purohit  

🥀 🥀    

આ તે કંઈ રીત છે ?
સંબંધના ચણતરમાં લાંબી તિરાડ
અને પાયામાં શરતોની ઇંટ છે.

શબ્દોને હોઠથી અળગા કરું,
તો મને બોલવાની આપો છો આણ
રણમાં અમથી જ મને એકલી મૂકીને
પછી ચલાવવા આપો છો વ્હાણ !
પ્રશ્નોના કિલ્લામાં રોંધીને કો’છો કે
’આ તો બસ પાણીની ભીંત છે !’
આ તે કંઈ રીત છે ?

નસનસમાં ધગધગતા ખિલ્લા ઠોકો
ને પછી અટકાવી કહેતા કે ‘જા’
ધસમસતા શબ્દોનું તીર એક છોડીને
કહેતા કે ‘ઝીલવા મંડ ઘા’
આશાઓ-ઇચ્છાઓ બાળીને કો’છો કે
’તારી ને મારી આ પ્રીત છે !’
આ તે કંઈ રીત છે ?

~ આશા પુરોહિત  

🥀🥀

સાચી વાત છે, આ તે કંઈ જીવવાની રીત છે ? આ સંબંધ – કેવી રીતે ? કેમ ? કેવો ? – પ્રશ્નોની પરંપરા રચાઇ જાય છે…… બંધ ‘સમ’ હોય અર્થાત્ બંધન – બંન્નેને બાંધનારું તત્વ – સમ એટલે કે સરખું હોય એનું નામ સંબંધ. મોટે ભાગે કહોને કે લગભગ 95 % દંપતિઓમાં બંધન હોય છે, સંબંધ નહીં ! કેટકેટલા વમળોમાં અટવાતું , અથડાતું, કુટાતું જીવન ! હા, આ આપણો સમાજ છે. ‘પડ્યું પાનું નિભાવી લેવું’ એ આપણી સંસ્કૃતિ છે. એના ભાર હેઠળ ભલે અનેકના જીવન જીવ્યા વ્યર્થ થાય. ક્યારેક એ પુરુષોના પક્ષે પણ હોય છે, આ રિબામણી માત્ર સ્ત્રીના ભાગે જ છે એવુંયે નથી પણ મહદ અંશે એ સ્ત્રીને ભોગવવાની આવે છે એ વાસ્તવિકતા છે. પુરુષના નસીબમાં અવળું પાત્ર હોય તોયે એને ચોવીસ કલાક એ સહેવું નથી પડતું. ઘરની બહાર એની એક દુનિયા છે અને એટલા કલાક એનો છુટકારો શક્ય છે. એક ગૃહિણીના નસીબમાં એ નથી…

લગ્નમાં અગ્નિ સમક્ષ ચાર ફેરા ફરાય છે પણ એના પાયામાં કેટલી શરતો સીધી રીતે કે આડકતરી રીતે ધરબાયેલી પડી હોય છે. જ્યાં દહેજ વિ. કુપ્રથા છે ત્યાં તો પૂરું પૂરું વળતરનું જ ચણતર રચાય છે પણ સીધેસીધું આવું નથી હોતું ત્યાંયે અપેક્ષાના ખડકલા તો ખરા જ. દુખની વાત એ છે કે આ પ્રથા એટલી રૂઢ થઇ ગઇ છે અને લોહીમાં વણાઇ ગઇ છે કે ભણતર કે સમજણ એમાં કામ નથી જ લાગતાં.

આ તો થઇ પાયાના ચણતરની વાત. પછી તરત એમાં પડતી જતી એકપક્ષી તિરાડોનો કોઇ હિસાબ ખરો ? ના, આર્યનારીનું તો એ આભુષણ છે ! બહુ અસરકારક રીતે કવયિત્રીએ સ્ત્રીની વ્યથાની રજૂઆત કરી છે.. સંબંધમાં તિરાડો અને શરતો, એ તો ખરું જ પણ આગળ શું છે ? હોઠમાંથી શબ્દો સરવા જાય ત્યાં તો બોલવાની મનાઇ ફરી વળે છે.. વ્યવહાર એવો છે કે રણમાં વહાણ ચલાવવાની ફરજ જીવનને ઢસરડો બનાવી દે છે. ચારે બાજુ પ્રશ્નો જ પ્રશ્નો, સમસ્યાઓ જ સમસ્યાઓ અને છતાંયે જાણે કંઇ જ નહોય એવો દેખાવ !!

ડામતા શબ્દો, ક્રૂર અવહેલના અને છતાંયે સ્વતંત્રતા આપવાનું નાટક !! પ્રીતના નામે બધા અરમાનોની હોળી કરવી પડે છે. આ જ જીવન છે ? આ કેવી રીત છે ? પુરુષની ઇચ્છા અને સ્ત્રીનો ત્યાગ, પુરુષની મહત્વાકાંક્ષા અને સ્ત્રીના અસ્તિત્વનું રોળાઇ જવું, પુરુષનો અહમ અને સ્ત્રીની તાબેદારી – આના ઉપર તો રચાયા છે લગ્નજીવનના પાયા.

ગીતના લયને અને ગીતની પ્રાથમિક શરતોને પૂરી કરતી, સ્ત્રીના અવાજને બુલંદ કરતી કવયિત્રી આશા પુરોહિતની આ કવિતા અસરકારક રીતે રજૂ થઇ છે. નારીવિશ્વના આંતરમનનો પડઘો પાડતી આ રચના ભાવકને સ્પર્શી જાય છે.

દિવ્ય ભાસ્કર @ કાવ્યસેતુ 119 @ 7 જાન્યુઆરી 2014

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

4 thoughts on “આશા પુરોહિત ~ આ તે કંઈ * Asha Purohit  ”

  1. Kirtichandra Shah

    દેખીતી રમતિયાળ શૈલીમાં વણાઈ અનેકોની લોહી નિંગળતી કથા

  2. કવયિત્રી આશા જી એ ખૂબ જ સરસ રીતે એક દબાયેલી સ્ત્રી નો આક્રોશ વ્યક્ત કર્યો છે. એને આપે આસ્વાદીક લેખમાં વિસ્તારથી રજૂ કર્યો છે.

Scroll to Top