*જઠરાગ્નિ*
રચો, રચો અંબરચુંબી મંદિરો,
ઊંચા ચણો મ્હેલ, ચણો મિનારા !
મઢો સ્ફટિકે, લટકાવો ઝુમ્મરો,
રંગે ઉડાવો જળના ફુવારા !
રચો, રચો ચંદનવાટિકાઓ,
રાચો, રચી કંચનસ્થંભમાળા !
ઊંડા તણાવો નવરંગ ઘુમ્મટો
ને કૈંક ક્રીડાંગણ, ચંદ્રશાળા
રચો ભલે !
અંતરરૂંધતી શિલા
એ કેમ ભાવિ બહુ કાળ સાંખશે ?
દરિદ્રની એ ઉપહાસલીલા
સંકેલવા, કોટિક જીભ ફેલતો
ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે;
ખંડેરની ભસ્મકણી ના લાધશે !
~ ઉમાશંકર જોશી
*શબ્દ*
શબદને ખોલીને જોયું મળ્યું મૌન
શબ્દ થઇ બેઠો દુર્ભેદ્ય
અર્થનો પ્રકાશ
અર્ધઝાઝેરો
ખૂંતી ન શકે આરપાર
નવલ એ આભાવલય
બન્યું રસનું આધાન
શબ્દ, ગર્ભ દશા મહીં કર્મ
ક્યારેક તો એ સ્વયં કૃતિ
આત્માની અમરાકૃતિ. .
શબ્દ ચિરંતન જ્યોતિસ્તંભ.
~ ઉમાશંકર જોશી

કવિશ્રીને પ્રણામ
કવિ શ્રી ઉ.જો.નાં કાવ્યો શાળા સમયમાં ભણતાં ભણતાં કવિતા નો પરિચય થયો હતો, વાહ.
સરસ રચનાઓ
ઉમાશંકર જોશીજીની જોશીલી કવિતા “ભૂખ્યા જનોનો જઠરાગ્ની જાગશે” અને “શબ્દ ચિરંતન જ્યોતિ સ્તંભ” આત્માને સ્પર્શી ગઈ. 🙏💐🙏