કવિ વિવેક ટેલરના બે ગીતો * Vivek Tailor

રાધાની આંખ  

જમુનાનાં જળ કદી ઓછાં ન થાય, એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ !
તીરથ ને મંદિરો પડતાં મેલીને કદી જાત આ ઝુરાપાની નદિયુંમાં નાંખ.

રાધાનાં શમણાંના સાત રંગ રોળાયા
તંઈ જંઈ એક મોરપિચ્છ રંગાયું,
હૈડું ફાડીને પ્રાણ ફૂંક્યા કંઈ ઘેલીએ,
તંઈ જંઈ આ વાંસળીએ ગાયું,
મોરલીની છાતીથી નીકળતા વેદનાના સૂર, સખી ! સાંખી શકે તો જરી સાંખ !
જમુનાનાં જળ કદી ઓછાં ન થાય, એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ !

ગોધૂલિવેળાની ડમરીમાં ડૂબકી દઈ
આયખું ખૂંદે છે ખાલીખમ પાદર;
રાહનાં રૂંવાડાને ઢાંકવા પડે છે કમ
આ ચોર્યાસી લાખ તણી ચાદર.
છો ને ભવાટવિ ઊગી અડાબીડ પણ ધખધખતી ઝંખનાને વળશે ન ઝાંખ
જમુનાનાં જળ કદી ઓછાં ન થાય, એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ !

~ વિવેક મનહર ટેલર

જમુનામાં વહેતા જળ એ રાધાના આંસુ…. મોરપીંછના રંગો એ રાધાના રોળાયેલા શમણાં…. કવિના કલ્પનો કેવાં હૃદયસ્પર્શી છે ! ઝંખના માટે કવિએ શબ્દ વાપર્યો છે, ‘ધખધખતી ઝંખના’ ક્યા કહેના !!  

*****

મૂંઝારો ~ વિવેક ટેલર

ઉદ્ધવજી! આ છાતીમાં જે થાય મૂંઝારો,
જાવ અને જઈ કાનાની વહીમાંય ઉધારો…

ક્રૂર બડો અક્રૂર તે માંગ્યો કાનકુંવરનો લાગો,
તમે હવે આવીને કહો છો, યાદોને પણ ત્યાગો!
કાયાની માયા તો મેલી, હૈયું શાને માંગો?
ના શામો તો કંઈ નહીં, કિંતુ શાને લ્હાય વધારો?

એને માટે ભલેને દુનિયા આખી હો રાધિકા,
મારે મન તો એની યાદો એ જ અઠેદ્વારિકા;
મહીં મહી નહીં, જાત ભરીને હજુ ટાંગીએ શીકા,
કહો, ફૂટ્યા વિણ જન્મારો ક્યાંક ન એળે જાય, પધારો…

~ વિવેક મનહર ટેલર

ગોપીના વિરહભાવનું આ ગીત. બીજા અંતરામાં ‘મહીં અને મહી’નો પ્રયોગ રીઝવી ગયો. તો ‘જાત ભરીને હજુ ટાંગીએ શીકા’ આ કલ્પન પણ હૈયા સોંસરવું ઉતરી ગયું….. જેમાં જાત ભરી છે એ શીકાનું તૂટવું અનિવાર્ય છે. એ વિણ જન્મારો એળે જાય…. પણ ગોપીના જન્મારા એળે ન જાય… કૃષ્ણ જેનું નામ !    

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

25 thoughts on “કવિ વિવેક ટેલરના બે ગીતો * Vivek Tailor”

    1. કાર્તિક દેસાઇ

      પ્રાથમ ગીતમાં…

      હનાં રૂંવાડાને ઢાંકવા પડે છે કમ
      આ ચોર્યાસી લાખ તણી ચાદર.

      દ્વિતીય ગીતમાં…

      ક્રૂર બડો અક્રૂર તે માંગ્યો કાનકુંવરનો લાગો,
      તમે હવે આવીને કહો છો, યાદોને પણ ત્યાગો!

      અતિ ગહન અને મનને હલબલાવતી પંક્તિઓ…

      રચનાકારની ગાંભીર્યભરી રચનાઓ… અભિનંદન

  1. યોગેશ પંડ્યા

    બંને ગીતો ખૂબ જ સરસ છે.અભિનંદન

    1. ‘રાધાની આંખ’ આ ગીતના શબ્દો તો હ્રદયસ્પર્શી છે જ. એ ગીત, જ્યારે મધુર સ્વરોથી ગવાય છે ત્યારે આપણે જાણે રાધાની દુનિયામાં પહોંચી જઈએ છીએ. ગોપીના મનની વાત કહેતું બીજું ગીત પણ લાજવાબ!

  2. કવિશ્રી વિવેક ટેલરના સરસ ગીતો માણવા મળ્યા

  3. વિવેક ટેલર ના બન્ને ગીતો ખુબ ખુબ ગમ્યા આપ સાહિત્ય ની કેટલી સેવા કરો છો તન મન ધન થી આપ સાહિત્ય ને સમર્પિત છો ખુબ ખુબ આભાર લતાબેન

  4. Aasifkhan aasir

    બંને ગીતો હદયસ્પર્શી
    દમદાર થયા છે

  5. પ્રભાકરધોળકિયા

    વાહ સરસ.પહેલું ગીત કારણ પૂછો..

    ગાર્ગી વોરાના કંઠે સાંભળેલ છે પણ ઉદ્ધવને કેન્દ્રમા રાખી ગીત લખનાર કદાચ તમે પહેલા છો. માહીનો ઉપયોગ પણ ગમ્યો.બે વાર વાંચી ગયો..

    અભિનંદન

  6. હર્ષદ દવે

    કવિશ્રી વિવેક ટેલરનાં બંને ગીતો ગમ્યાં. આસ્વાદ્ય અને સ્વરાંકન માટેના ગીતો. કવિને અભિનંદન.

  7. હર્ષદ દવે

    આસ્વાદ્ય અને સ્વરાંકન માટેના ગીતો માટે કવિને અભિનંદન

  8. સરસ મજાના પ્રોત્સાહક પ્રતિભાવ પાઠવવા બદલ સહુ ભાવકમિત્રોનો હૃદયપૂર્વક આભાર માનું છું…

    મારા મને ગમતાં બે ગીત સાઇટ ઉપર મૂકવા બદલ લતાબેન હિરાણીનો પણ અંતઃકરણપૂર્વક આભાર…

Scroll to Top