જાત સાથે રોજ
જાત સાથે રોજ રોજ લડ્યા જ કરીએ
નવા નવા આપણે જડ્યા જ કરીએ.
પળમાં તે ઝૂંપડી ને પળમાં પહાડ
ઇમારતો એવી એમ ઘડ્યા જ કરીએ.
વાતને કે નાતને કે પછી જાતને
એમ ઝંઝાવાત થઇ નડ્યાં જ કરીએ.
બે આંસુથી ક્યાં હવે ગમ છુપાય છે
નદી બનીને ચાલને રડ્યા જ કરીએ.
ઉઘાડી બારી બહાર જવાબ તે જિંદગી
પ્રશ્નોની સાંકળ થઇ ખખડ્યા જ કરીએ…
~ કાજલ એચ. જોષી
વય ચાહે કોઇ પણ હો, સ્ત્રીનું જીવન પ્રશ્નોથી ભરપૂર. અલબત્ત પુરુષોને પ્રશ્નો નથી હોતા એવું નથી, પણ સરખામણીમાં, રોજબરોજની જિવાતી જિંદગીમાં સ્ત્રીઓને સમસ્યાઓનો સામનો વધુ કરવો પડે છે. એને સમાધાનો પણ વધુ કરવા પડે છે એટલે જ એની કવિતામાં અવસાદ અને આંસુ વધારે પ્રગટે છે. ‘ચાલને નદી બનીને રડ્યા કરીએ’…. સ્પર્શી જાય છે. અંદરની લડાઇ ક્યારેક સ્વને સાવ નવા સ્વરૂપે ઉઘાડે છે! ક્યારેક અંદરનું પ્રાણતત્વ તેજ બનીને એવું ઉઘડે છે કે જેની પોતાનેય જાણ નથી હોતી.. આ એક ઉપલબ્ધિ છે. મુશ્કેલીઓમાંથી જડી આવતું મોતી છે.
થોડીક મોકળાશ ઝંખતી પણ વાસ્તવિકતાને સ્વીકારી શકતી એક સ્ત્રીનો સમજદારીભર્યો અભિગમ અહીં સરસ શબ્દોમાં રજૂ થયો છે.
OP 18.9.22
છબીલભાઈ ત્રિવેદી
18-09-2022
સ્ત્રીઓ તો સમજદારી સુપેરે સમજે છે અેટલે તો સંસાર ચાલે છે વંદન છે આવા ઉમદા વિચારો અને લાગણી થી જીવતી દેવી ઓ ને આભાર લતાબેન
સાજ મેવાડા
18-09-2022
ખૂબ સરસ કાવ્ય, આસ્વાદ.
ઉમેશ જોષી
18-09-2022
વાહ કાજલબેન આપની અભિવ્યક્તિને વધાવું છું..
ખૂબજ સરસ રચના.
અભિનંદન.
