ગની દહીંવાલા ~ સાવ અમસ્તું * Gani Dahiwala * Aishwarya Majmudar

🥀 🥀

*સાવ અમસ્તું નાહક નાહક*

સાવ અમસ્તું નાહક નાહક નિષ્ફળ નિષ્ફળ રમીએ,
ચાલ મજાની આંબાવાડી! આવળબાવળ રમીએ.

બાળસહજ હોડી જેવું કંઈ કાગળ કાગળ રમીએ,
પાછળ વહેતું આવે જીવન, આગળ આગળ રમીએ.

માંદા મનને દઈએ મોટું માદળિયું પહેરાવી,
બાધાને પણ બાધ ન આવે, શ્રીફળ શ્રીફળ રમીએ.

તરસ ભલેને જાય તણાતી શ્રાવણની હેલીમાં,
છળના રણમાં છાનાંમાનાં મૃગજળ મૃગજળ રમીએ.

હોય હકીકત હતભાગી તો સંઘરીએ સ્વપ્નાંઓ,
પ્રારબ્ધી પથ્થરની સાથે પોકળ પોકળ રમીએ.

ફરફર ઊડતું રાખી પવને પાન સરીખું પહેરણ,
મર્મર સરખા પારાવારે ખળખળ ખળખળ રમીએ.

હું ય ‘ગની’, નીકળ્યો છું લઈને આખોમાખો સૂરજ,
અડધીપડધી રાત મળે તો ઝાકળ ઝાકળ રમીએ.

~ ગની દહીંવાલા

કાવ્ય : ગની દહીંવાલા * સ્વર : ઐશ્વર્યા મજમુદાર * સ્વરાંકન : ગૌરાંગ વ્યાસ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

2 thoughts on “ગની દહીંવાલા ~ સાવ અમસ્તું * Gani Dahiwala * Aishwarya Majmudar”

Scroll to Top