🥀 🥀
ક્યાં પેલું રૂપ અને ક્યાં પેલી માયા ?
અહીં તો કેવળ લંબાયેલી અભાવની રણછાયા !
હાથ મહીંના સ્પર્શ હૂંફાળો,લોચન ખાલી માયા !
ક્યાં પંખીના કલરવ મીઠા ? ઊડવાં ક્યાં રઢિયાળાં ?
શૂન્ય આભની તળે જોઉં છું,
માંડ જાળવી રાખેલા કો
પારેવાનાં શ્વેતલ પિચ્છ વિખાયાં !
આંબે આંબે કાન માંડતો, એ ટૌકો નહિ પામું !
નજર ઠેરવું ત્યાં ત્યાં જાણે કશુંક બળતું સામું !
મારા ઘરની તરફ પડ્યા
તે કેમ કેમ એ નાજુક પગલાં
પાછાં વળે વીંધાયાં ?
અંદર ખાલી, બહાર ખાલી, તરસ ત્વચા પર તતડે ;
હસીખુશીની હવા અરે શી ગભરુ ગભરુ ફફડે !
ખરી ગયેલાં ફૂલો જોઉં છું
કેમ કેમ રે ભરી વસંતે
એનાં હાસ્ય વિલાયાં ?
ક્યાં પેલું રૂપ અને ક્યાં પેલી માયા ?
અહીં તો કેવળ લંબાયેલી અભાવની રણછાયા !
~ ચન્દ્રકાન્ત શેઠ (3.2.1938 – 2.8.1924)
🥀 🥀
તું છે મારી અંદર તેથી ભર્યો ભર્યો હું લાગું !
તું લીલોછમ અંદર તેથી હર્યોભર્યો હું લાગું
તારું છે પાતાળ, એથી તો ખરા ઉનાળે પાણી;
તારી એવી ફૂંક – વાંસમાં ફૂંટે મીઠી વાણી;
તારો છાંયો મળ્યો એટલે ઠર્યોઠર્યો હું લાગું !
તારી આંખે સૂર્ય એથી તો દિવસ થઈ સૌ દેખું;
રાતે તારે દેવે મારું પગલું પડતું પેખું;
તારી છોળે છોળે તટ પર તર્યોતર્યો હું લાગું !
તું છે મારા પર્ણે પર્ણે, તું છે મારા મૂળમાં;
તારો અઢળક રંગ ઊઘડે અહી આ દરેક ફૂલમાં;
તારી મઘમઘ લ્હેરે બધે જ ફર્યોફર્યો હું લાગું !
~ ચંદ્રકાંત શેઠ (3.2.1938 – 2.8.1924)
🥀 🥀
નભ ખોલીને જોયું, પંખી નથી નથી
જળ ખોલીને જોયું, મોતી નથી નથી. –
સતત છેડીએ તાર,
છતાં કંઈ રણકે નહીં
આ કેવો ચમકાર ! –
કશુંયે ચમકે નહીં !
ખોલી જોયા સૂર, હલક એ નથી નથી;
ખોલી જોયાં નૂર, નજર એ નથી નથી
લાંબી લાંબી વાટ,
પહોંચતી ક્યાંય નહીં;
આ પગલાં ક્યાં જાય ?
મને સમજાય નહીં;
આ તે કેવો દેશ ?! –
દિશા જ્યાં નથી નથી !
આ મારો પરિવેશ ? –
હું જ ત્યાં નથી નથી !
~ ચંદ્રકાન્ત શેઠ (3.2.1938 – 2.8.1924)
🥀 🥀
પ્રેમ પેટતાં પ્રકાશ પ્રગટે, કામ પેટતાં કાજળ
મનનાં મેળે મોટી મ્હોરે, હોય આંસુ વા ઝાકળ
ઝરણ થઈને વહેવા માટે જળનું કરવું જીવતર
વાટેઘાટે જે આવે તે પારખી લેવા પથ્થર
મોકળાશમાં મઘમઘ મસ્તી બંધિયારમાં બાવળ …
દૂર ગગનમાં ઘૂમવું છે તો પિંડ પિચ્છના કરવા
ખુદને ભીંસે એવા ભારે પદ ‘હું’નાં સૌ હરવા
મૂળની માટી સીંચે એવા, ઊંડે ઊતરો વાદળ ….
~ ચંદ્રકાન્ત શેઠ (3.2.1938 – 2.8.1924)
🥀 🥀
હું મને ગમતો નથી, તમને ગમું છું?
જલ વિનાનો કૂપ છું, તમને ગમું છું?
પથ્થરોના હાડથી ઊંચો થયો,
સાવ સુક્કો પહાડ છું, તમને ગમું છું?
જિંદગીભર ચાલતાંયે ના પૂગું,
હું દિશાહીન માર્ગ છું, તમને ગમું છું?
ભવ્યતા મારી વખાણે છે ઘણાં,
મૂળમાં વેરાન છું, તમને ગમું છું?
કેટલા તારા ભીતરમાં તગેતગે!
બદ્ધ હું અંધાર છું, તમને ગમું છું?
રાત દી’ કેવો અજંપો ઉછળે!
જીવ દરિયાનો જ છું, તમને ગમું છું?
મેઘ બારે વરસતાં કંઈ ના બને!
હું બળેલું બીજ છું, તમને ગમું છું? .
~ ચંદ્રકાન્ત શેઠ (3.2.1938 – 2.8.1924)
મારા પ્રિય કવિની અત્યંત સુંદર કવિતાઓ. કવિ તથા સંકલન કર્તાને અભિનંદન.
“તું છે મારી અંદર તેથી ભર્યો ભર્યો હું લાગું !
તું લીલોછમ અંદર તેથી હર્યોભર્યો હું લાગું …વાહ! આખી રચના આનંદના ઉછાળાભરી. દર્દભરી રચનાઓ હ્રદયશ્પર્શી.
સરયૂ પરીખ.
વાહ ખુબ સરસ રચનાઓ
વાહ, ખૂબ જ સરસ સરસ રચનાઓ. મને એમની રચના ખૂબ ગમે છે .હું એ સ્વરાંકન કરી ગાઉં પણ છું. અભિનંદન.
વાહ ચંદ્રકાંત શેઠ સાહેબ
ખૂબ જ સરસ વિવિધ રચનાઓ માણવા મળી. કવિ, સાહિત્યકારને પદ્મશ્રી પુરસ્કાર મોડો મળ્યો.
અર્થસભર રચના સરસ મૂકવા બદલ ધન્યવાદ.