મંદિર તારું વિશ્વ રૂપાળું,
સુંદર સરજનહારા રે
પળપળ તારાં દર્શન થાયે,
દેખે દેખણહારા રે.
નહિ પૂજારી નહિ કોઈ દેવા,
નહિ મંદિરને તાળાં રે
નીલ ગગનમાં મહિમા ગાતા,
ચાંદો સૂરજ તારા રે.
વર્ણન કરતાં શોભા તારી,
થાક્યા કવિગણ ધીરા રે
મંદિરમાં તું ક્યાં છુપાયો,
શોધે બાળ અધીરા રે.
~ જયંતિલાલ આચાર્ય (18.10.1906 – 19.7.1988)
કાવ્યસંગ્રહ : ‘દીવાટાણું’ 1973
મારી પેઢીમાં કદાચ કોઈ એવા નહીં હોય જેણે શાળામાં આ પ્રાર્થના ગાઈ ન હોય.
કવિના જન્મદિને ભાવપૂર્વક સ્મૃતિવંદન

સાદર સ્મરણ વંદના.
ખુબ સુંદર પ્રાર્થના
સાચું, એ સમય એવો હતો જ્યારે વર્ગ ચાલું થાય ત્યારે આખી શાળાના બાળકો આવી પ્રાર્થના ગાતાં હતાં.