*આપણા મલકમાં*
આપણા મલકમાં માયાળુ માનવી,
માયા મેલીને જાવું, મારા ભાઈબંધ!
આપણા મલકમાં ગરવો ગિરનાર છે,
દેરે દેરે દેવ બેઠા, મારા ભાઈબંધ!
આપણા મલકમાં રતનાગર સાગર,
ખારવા સમદર ખેડે, મારા ભાઈબંધ!
આપણા મલકમાં આંબાનાં ઝાડવાં,
કેરીમાં કેસર ઘોળ્યાં, મારા ભાઈબંધ!
આપણા મલકમાં પાણીયાળાં ઘોડલાં,
અસવાર આડો આંક, મારા ભાઈબંધ!
આપણા મલકમાં પંખીરાજ મોરલો,
પીંછડે ટાંક્યાં હીરા, મારા ભાઈબંધ!
આપણા મલકમાં ગામેગામ ખાંભિયું,
મરી જાણ્યું મુછાળે, મારા ભાઈબંધ!
આપણા મલકમાં રાસ્યુંની રમઝટ,
જોબનનાં નીર જાય હેલે, મારા ભાઈબંધ!
~ જયંતિલાલ સોમનાથ દવે (15.8.1932)
*વીરડો વીરડો*
વીરડે આછર્યાં આછાં પાણી
કે વીરડા કોણે ગાળ્યા રે લોલ,
વીરડે ચોખ્ખાં કેવાં ચોક
કે વીરડા કોણે વાળ્યા રે લોલ.
ડૂક્યાં ડૂક્યાં નવાણનાં નીર,
ભમ્મરિયાં ભાંગી ગયાં રે લોલ,
નદિયું સૂરજથી સંતાણી,
તળાવનેય તાગી જોયાં રે લોલ,
એક મારી હેલ્યુંનો ભરનારો
કે વીરડો રણીધણી રે લોલ.…..
સમરથ સૂરજ સામે થૈને
કે વીર મારો ઝૂઝતો રે લોલ
કાળે કળકળતે ઉનાળે
કે વીરડો દૂઝતો રે લોલ,
વીરડો મલકાતો છલકાતો
આવેલના આદર કરે રે લોલ.….
વીરડે નહિ કાદવ નહિ કાંપ
કે તળિયે મોતી ઝગે રે લોલ,
ભમ્મરિયે પાણી ઊંડાં જાય,
સીંચણ ક્યાં પોગતાં રે લોલ,
વીરડે ઊંડું છીછરું ન કાંઈ
કે છાતિયું છલછલે રે લોલ.
વીર! તારા નાનકડા ઉરમાંહી
કે હેત શાં અભરે ભર્યાં રે લોલ,
તું તો ખોબલે ખાલી થાય ને
ખોબલે છલકી રિયો રે લોલ
વીરડે લાગ્યા ન કોઈ નિસાસા
કે વીરલો અમ્મર તપો રે લોલ.….
~ જયંતિલાલ સોમનાથ દવે (15.8.1932)
સૌજન્ય : રેખ્તા
બન્ને રચનાઓ ખુબ ગમી જન્મદિવસ ની શુભ કામના
વાહ, બંને ગીતો સરસ. વાંચીને આપણું ગામ-ઘર યાદ આવે જ.
જન્મ દિવસની શુભેચ્છા.