
*લાગે*
સવારો હવે તો વજનદાર લાગે
છે તડકો સુકોમળ છતાં ભાર લાગે
સજાવી કહી વાત તેથી મેં થોડી
સીધીસટ કહું તો નહીં સાર લાગે
વસંતોની કેફી ખુમારી છતાંયે
ફૂલોના સંબંધોમાં પણ ભાર લાગે
થૈ શરણાગતિ કેવી દૈવી તમારી
કે જીત્યા પછી પણ મને હાર લાગે
છે શું “ભગ્ન” એવું ગઝલમાં તે એની
ઊતરતાં જ દિલમાં તરત ધાર લાગે
~ જયશ્રી વિનુ મરચંટ ‘ભગ્ન’
વાત સમયની છે…. વહી વહીને સુકાતા જતા સમયની છે. અને જ્યારે સમય સુકાતો અનુભવાય ત્યારે સંબંધો, આસપાસનું વિશ્વ અને પોતાની જિંદગી પણ ભાર બની જાય ! આ તબક્કો લગભગ દરેક માનવીના જીવનમાં આવે. કોઈને વહેલો તો કોઈને મોડો. જીવનની સંધ્યાએ આ અનુભવનારા અસંખ્ય. યાદ આવે ગની દહીંવાળાનો એક શેર
નર્યું પાણી જ મારા દર્દનો ઉપચાર લાગે છે
રડી લઉં છું જ્યારે મને હૃદય પર ભાર લાગે છે.
આમ આ ભાર આંસુની ધાર વહેવડાવી શકે….
*લીલોછમ ટહુકો!*
લીલોછમ ટહુકો ઊડ્યો છે પાંખમાં,
લઈને આકાશ આ આખું…!
મને દઈ દ્યો આ ટહુકાનું આયખું…!
મેઘધનુષનું એક આખું નગર વસે
વાદળિયા ધુંધળિયા દેશમાં..!
ને વીજલડી, ચાંદા ને તારાની ઓથે,
ઊઘડતું બ્રહ્માંડ આખું…!
મને દઈ દ્યો આ ટહુકાનું આયખું…!
યમુનાને કાંઠે, કદમના પાનપાન,
રે, સખી, માધવની મુરલીએ મ્હાલે…
ને રાધિકાની રગરગમાં, વાસંતી ટહુકો,
ઊતરે લઈ આકાશ આખું..!
મને દઈ દ્યો આ ટહુકાનું આયખું…!
~ જયશ્રી વિનુ મરચંટ
કેવું સરસ મજાનું ગીત ! સાંભળો એનો ઓડિયો
સ્વર અને સ્વરાંકન : નેહલ રાવલ

સરસ રચનાઓ ખુબ ગમી અભિનંદન
વાહ, ગઝલ અને ગીત બંને ખૂબ જ સરસ.
વાહ.. સરસ રચનાઓ