🥀 🥀
*પ્રણયાનુભૂતિનું ગીત*
સોળ વાંભ-વા ઊંડા જળમાં રાવ પડી છે રે ટહુકાની…
છેદ પડ્યો છે છ૨કમ્ છરકમ્, હેમખેમ છે અકબંધ પ્હાની…
ટહુકો લસલસ પગમાં પેઠો
સણકાવત્ ઉંમર પર બેઠો
સખિયન! ટહુકો મેલો હેઠો
જિયાઝૂલણ કંપારી વેઠો
લોહી હલ્યા રે અચરમ્ અચરમ્ રાગ પધાર્યા ધિન્ ધિન્ તાની…
સોળ વાંભ-વા ઊંડા જળમાં રાવ પડી છે રે ટહુકાની…
પહેલી નથ તું પ્હેરું
ત્યારે પ્હેલવારકી મૂંછ ઉતારું
છબછબિયું અન્ધારું
વ્હે ત્યાં સોળ કળાએ ડૂબકી મારું
જળ બિરાજ્યા જિયરા હારે રાધે વાત કરે વનરાની…
સોળ વાંભ-વા ઊંડા જળમાં રાવ પડી છે રે ટહુકાની…
~ જયેન્દ્ર શેખડીવાળા
‘વાંભ’ શબ્દથી નવી પેઢી પરિચિત ન હોય. વાંભ એટલે હાથ (ખભાથી આંગળીના છેડા સુધી) જુઓ, કવિતા આ કામ પણ કરે છે. આ ગીતમાં એવા બીજા શબ્દો પણ છે.
એક મુગ્ધા પ્રેમમાં પડે ત્યારે એ કેવું અનુભવે એ અંગે ઘણાં ગીતો લખાયાં છે. અને મોટાભાગનાં અનોખાં છે. એમાંનું એક.
સોળ વરસના શાંત પાણીને એક ટહૂકાએ ખળભળાવી દીધાં છે. ટહૂકો સણકો બનીને ઉંમર પર બેઠો ! પાણી પહેલાં પગને સ્પર્શે એટલે અહીં પાનીએથી કંપારીના પાણી અંદર પ્રવેશે છે અને તન મનમાં તાકધીનાધીન જગાવે છે…. આ વલવલાટ શમ્યો જાય એમ નથી એટલે મિલનમાં ડૂબકી મારીને જ એનું શમન થાય છે….
છ૨કમ્ છરકમ્ , લસલસ, અચરમ્ અચરમ્, આ રવાનુકારી શબ્દોથી લય રણઝણે છે.
*****
*તું જેને વરસાદ કહે છે*
તું જેને વરસાદ કહે છે
એને હું આપણી વચ્ચેનો અશ્રુસેતુ કહું છું
તું જેને અશ્રુસેતુ કહે છે
એને હું આપણી ભીનાશની લિપિ કહું છું
તું જેને ભીનાશ કહે છે
એને હું આપણામાં ઓગળી ગયેલો ગોરંભો કહું છું
તું જેને ગોરંભો કહે છે
એને હું કવિતા મઢેલો ચિત્તપ્રદેશ કહું છું
તું જેને કવિતા મઢેલો ચિત્તપ્રદેશ કહે છે
એને હું વરસાદ કહું છું.
પ્રમેયની જેમ કવિએ તારો અને મારો વરસાદ એક છે એ સિદ્ધ કરી બતાવ્યું…. વાત તો એકત્વની કરવાની છે….
વરસાદી પ્રેમનું રોમાંચક કાવ્ય.
*****
*સાથે મૂકીને જો*
અંધારને, અજવાસને સાથે મૂકીને જો
અવકાશને, આ શ્વાસને સાથે મૂકીને જો
પીળાં ફૂલોનો સૂર્ય નહીં આથમે કદી
સ્મરણ અને સુવાસને સાથે મૂકીને જો
તું હોય છે તો હોય છે સ્પર્શોની વારતા
તું લાગણીના પ્રાસને સાથે મૂકીને જો
ગઇકાલની હવાઓ તને સાંભરી જશે
ઝાંખો દીવો, ઉજાસને સાથે મૂકીને જો
લથબથ અવાજમાં કશું તેં પણ કહ્યું હતું
ગઝલને, બાહુપાશને સાથે મૂકીને જો
~ જયેન્દ્ર શેખડીવાળા
અંધારા અજવાળાં ને શ્વાસ અને સ્પર્શ સાથે સીધો સંબંધ છે…. એમાંય જ્યારે પ્રેમીઓની વાત હોય…. પછી લથબથ અવાજ…. બાહુપાશ….
*****
ત્રણે રચનાઓ મજાની, ગઝલ ખૂબ ગમી. આપની ટૂંકી નોંધ પણ ખૂબ જ સરસ છે.
મારા પુરોગામીએ યોગ્ય અને સુંદર અભિગમ બતાવ્યો છે
આભાર મેવાડાજી અને કિર્તિભાઈ
બધીજ રચનાઓ ખુબ સરસ તળપદી ભાષા ની મહેક માણવા મળી આપનો કાવ્ય પરિચય ખુબ ઉમદા અભિનંદન કાવ્ય વિશ્વ
આભાર છબીલભાઈ
વાહ.. ખૂબ સરસ ગીતો અને ગઝલ
જયેન્દ્રભાઈ ખૂબ જૂના અને ગમતાં કવિ મિત્ર. એક અલગ અંદાજની એમની ઘણી ગઝલો સ્વરકાર મિત્ર શશાંક ફડણવીસના રેકોર્ડિંગ સ્ટુડિયો ખાતે રૂબરૂમાં સાંભળી છે. આ ગઝલો ય એ જ કડીની છે. અભિનંદન મિત્ર.
કવિ શ્રી જયેન્દ્ર જીની યાદગાર કૃતિઓ… એમને વિનંતી કે, કવિ, પધારો અને ઔર જમાવટ કરો.. વાટ જોઈએ છીએ