
*ગઝલ*
થોડી સફળતા જ્યાં મળી, ત્યાં એમને તકલીફ થઈ,
જાતે જ થોડી ઝળહળી, ત્યાં એમને તકલીફ થઈ !
તકલીફ થઈ છે એમનો આભાર માન્યો એ છતાં,
જ્યાં લાગણીથી ખળખળી, ત્યાં એમને તકલીફ થઈ !
ગુલમ્હોર થઈ ખીલી જવાની ઝંખના ઉત્સાહથી –
આંખો મહી જ્યાં સળવળી, ત્યાં એમને તકલીફ થઈ !
સંજોગ સામે બાથ ભીડવાના ઇરાદાથી જુઓ,
જિંદાદિલીમાં જઈ ભળી, ત્યાં એમને તકલીફ થઈ !
સામે જ ચાલી અવસરો આવ્યા, ઉપરથી જોઈ લો,
અવદશા મારી ટળી, ત્યાં એમને તકલીફ થઈ !
મિત્રો, સ્વજનના પ્રેમથી બનતા રહ્યા દ્રાવણ મહીં,
થોડીક હુંએ ઓગળી, ત્યાં એમને તકલીફ થઈ !
તકલીફ બસ આપ્યા કરે, એવા જ લો રસ્તા તરફ,
આવ્યા છતાં પાછી વળી ત્યાં એમને તકલીફ થઈ !
~ જિજ્ઞા ત્રિવેદી
*ગઝલ*
ચાતરેલા માર્ગ પરથી દૂર પણ થાવું પડે,
ભીડમાંથી બહાર થોડા આપણે જાવું પડે.
કોઈનો ટહુકો ઉછીનો ક્યાં સુધી લેશો તમે ?
ખુશ રહેવા ગીત કોઈ આપણે ગાવું પડે.
એમ કંઇ વરસી પડે ના પ્રેમનો વરસાદ પણ,
આપણે પણ લાગણીથી દોસ્ત, છલકાવું પડે !
સ્થિર ક્યાં છે કે નિરંતર એક જેવો એ રહે,
આપણે તેથી સમય સાથે જ બદલાવું પડે !
વાત કરવી હો અહિંસાની છતાં ઓ દોસ્તો,
સત્ય કાજે રક્તથી ક્યારેક ખરડાવું પડે !
કેટલો કચરો પડ્યો છે, એમ જોવા આપણે –
જાતમાં ખુદ આપણી ક્યારેક ડોકાવું પડે !
જિંદગીનો ચેક એણે કિંમતી આપી દીધો,
કોઈના ઉપકાર માટે રોજ ખર્ચાવું પડે !
~ જિજ્ઞા ત્રિવેદી
બંને રચનાઓ બરાબર અભિવ્યક્ત થઈ છે.અભિનંદન.
હૃદયથી આભાર.
બંને રચનાઓ સુંદર છે
આપનો હૃદયથી આભાર.
અપૂર્વતા,તીર્યકતા તથા તીવ્રતાથી સમૃદ્ધ રચનાઓ
આપનો હૃદયથી આભાર.
કોઈને તકલીફ થાય કે ના થાય આપણે આપણું ગીત ગાવું પડે. વાહ, સરસ ગઝલો.
આપનો હૃદયથી આભાર.
એમ કંઇ વરસી પડે ના પ્રેમનો વરસાદ પણ,
આપણે પણ લાગણીથી દોસ્ત, છલકાવું પડે ! When you receive then only someone can give.
બંને રચનાઓ સુંદર છે.
બંને કૃતિ સરાહનીય..