તેજસ દવે ~ પાંપણ પર & મર્યા પછી * Tejas Dave  

યાદ છે?

પાંપણ પર ઝૂલતાં ‘તા શમણાં, એ શમણાનો
હું પણ એક ભાગ હતો યાદ છે?

યાદ છે એ સાંજ? તું બોલ્યા વિના જ
મને તગતગતી આંખથી વઢેલી !

એ ઘટના તો ત્યાં જ હજી બર્ફ જેમ
થીજીને ઉભી છે સાંજ ને અઢેલી.

આથમતા સૂરજના કેસરીયા રંગોમાં
ઓગળતા આપણે એ યાદ છે ?

વરસોની ભીડ કોઈ ચોર જેમ આપણા
એ દિવસોને ચોરી ફરાર થઇ,

એમ ઊભા ‘તાં રસ્તાની સામસામે આપણે
ને વચ્ચેથી જિંદગી પસાર થઇ.

દિવસ ઓઢ્યા ને પછી તડકામાં દોડ્યા
ને છાંયડાઓ શોધ્યા ‘તા યાદ છે ?

પાંપણ પર ઝૂલતાં તા શમણાં, એ શમણાનો
હું પણ એક ભાગ હતો યાદ છે
?

~ તેજસ દવે

દુખના સ્મરણો પીછો ન છોડે અને સુખના સ્મરણો ઘડીકમાં વરાળ થઈને ઊડી જાય… એમાંય કોઈ હૈયેથી ઊતરડાઇને વછૂટી જાય ત્યારે પીડા બહુ આકરી બની જાય છે…

તગતગતી આંખોથી વઢવું અને દિવસ ઓઢીને દોડવું…. વાહ કવિ

રસ્તાની સામસામે બે પ્રિયજન ઊભાં હોય અને વચ્ચેથી પસાર થઈ જાય છે આખી જિંદગી ….. હૃદય વિદારક કલ્પન !

@@

કરી છે

મર્યા પછી પણ દાન કરી છે,
કાયા પણ સુલ્તાન કરી છે.

રાખી એણે કેવી દૂરી?
ખુદને પાકિસ્તાન કરી છે.

પંખીઓનો સોદાગર છે ,
તેં ત્યાં કન્યાદાન કરી છે !

આંસુનું પરફ્યુમ વેચવા,
આંખોની દુકાન કરી છે.

ખાદીમાંથી ધીમેધીમે,
જાત અમે કંતાન કરી છે.

~ તેજસ દવે

હળવાશથી પણ વેધક વાતો કહી જાય છે પ્રત્યેક શેર….

@@

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

2 thoughts on “તેજસ દવે ~ પાંપણ પર & મર્યા પછી * Tejas Dave  ”

Scroll to Top