

🥀 🥀
*વીણનારાં*
પવનમાં ઊડાઊડ કરતાં
રદ્દી કાગળ જેવા,
દેખાય છે સોસાયટી સોસાયટીએ
રખડતાં કૂતરાંની જેમ
ભટક્યાં કરે છે ગલી-ગલી, રસ્તે—રસ્તે
તડકો બાળે છે તેમની ચામડી
ઠંડી ધ્રુજાવે છે તેમની કાયા
વરસાદ પલાળે છે આખેઆખા
છતાં
તડકો નથી બાળી શકતો
ઠંડી નથી થીજવી શકતી
વરસાદ નથી વહાવી શકતો
તેમની હઠીલી જિજીવિષાને.
~ દક્ષા પટેલ
🥀 🥀
*વૃદ્ધ*
છેવાડાનો રૂમ તેનો છે.
દિવસ કે રાત, ત્યાં હોય છે
ટ્યૂબલાઇટનું રાજ
અને અવાવરું એકાંત
એક દીવાલ પર બે ફોટા,
એક રામજીના દરબારનો
ને ચોથી પેઢી સાથેનો, પરિવારનો.
બીજી દીવાલ પર લટકતું દર્પણ
આ તેની વસતી.
બપોરના તડકાનો
એક લસરકો તણાઈ આવે દર્પણ સુધી
થોડી વાર સઘળું ભર્યું ભર્યું કરી દે દર્પણ
આયુષ્યના આરે ઊભાં ઊભાં
તે માત્ર રાહ જુએ છે
બપોર પડવાની…
~ દક્ષા પટેલ
રોજેરોજ આસપાસ નજરે ચડતાં પાત્રોને લઈને અછાંદસ કવિતાઓ આપતો કવયિત્રી દક્ષા પટેલનો આ કાવ્યસંગ્રહ. ‘આસપાસ’ શીર્ષક જ કાવ્યસંગ્રહના વિષયને સ્પષ્ટ કરી આપે છે. આ પાત્રો કવયિત્રી જ નહીં, આપણી આસપાસ પણ પથરાયાં છે. કદાચ એ ‘અનદેખા’ જ રહે છે, કદાચ આપણી નજર એને એ રીતે એટલી હદે જોવા ટેવાયેલી છે કે એમાં નોંધવા જેવું કશું નથી લાગતું ત્યારે આ કવિતાઓ એક દીવો બનીને સામે આવે છે.
આ પાત્રો છે, વીણનારાં, વૃદ્ધ, વૃક્ષો, ટિકિટ, પાટિયું, ચોક, ગોદડી….. આશ્ચર્ય થાય છે ને ! તો નદી, સૂરજ, પહાડ, કીડી, પાંદડાઓ જેવાં પ્રકૃતિથી પમરતાં કાવ્યો પણ. અને આવાં કુલ 63 કાવ્યો.
કવિ મણિલાલ હ. પટેલ આ સંગ્રહની પ્રસ્તાવનામાં લખે છે, ‘ભાવાનુસાર પ્રગટતું અછાંદસ ગદ્યનો પણ જુદો વિશેષ પ્રગટાવે છે.”
‘કાવ્યવિશ્વ’ માં આ સંગ્રહનું સ્નેહભર્યું સ્વાગત છે.
‘આસપાસ’ * દક્ષા પટેલ * ઝેન ઓપસ 2024
@@@
“આસપાસ” કાવ્ય સંગ્રહને આવકાર..
બન્ને અછાંદસ રચના હ્રદયસ્પર્શી છે.
અભિનંદન….
કવિયત્રીની દ્રષ્ટિએ આસપાસની જિંદગી અને પ્રકૃતિને કાવ્ય રુપે રજૂ કરી નવો જ ચીલો ચાત્રર્યો લાગે છે. અભિનંદન, આવકાર.
કવયિત્રી શ્રી દક્ષા પટેલનું “આસપાસ” સાથે સ્વાગત છે.અત્રે પ્રસ્તુત બંને અછાંદસ કાવ્યો ખૂબ ગમ્યાં.દક્ષાબેનને હાર્દિક અભિનંદન !
પ્રફુલ્લ પંડ્યા
ખુબ સ્વાગત બન્ને રચનાઓ ખુબ સરસ ખુબ ગમી