વનરાવનને મારગ મને
વનરાવનને મારગ મને માધવ મળી જાય
આજ તો એવું થાય….
સેંથડે મેં તો સિંદૂર પૂર્યા, આંખમાં આંજી મેશ
સોળે સજ્યા શણગાર મેં અંગે, નવલા ધર્યા વેશ
ઓરતો મને એક જ હવે અંતર રહી જાય…. ~ આજ તો
મોતી ભરેલી હીર-ઈંઢોણી, મહીનું માથે માટ
રોજની ટૂંકી આજ મને કાં લાગતી લાંબી વાત
વેચવા જઉં મહીડાં મારા થંભતા જતા પાય…~ આજ તો
બેય બાજુથી ઝાડ ઝૂકીને કરતાં ચામરઢોળ
ઉરમાં વ્યાપ્યો આજ અજંપો ચિત્ત ચડ્યું ચકડોળ
ખખડે સૂકાં પાન શું એમાં વાંસળી કોઈ વાય…~ આજ તો
અણુઅણુમાં ઝંખના જાગી, લાગી એક જ લેહ
ચિત્તનું ચાતક ચાહતું કેવળ મોંઘો માધવ-મેહ
પ્રાણ પપીહો ‘પિયુ પિયુ’નું ગીત પોકારી ગાય…. આજ તો
નેણ ભરીને નીરખ્યા કરું, સાંભળ્યા કરું સૂર
ઊડી એવું ગગન જે હો જગથી ઝાઝું દૂર
જહીં ન ઓલયો વિરહ કેરો વાયરો પછી વાય….. આજ તો
~ દેવજી રા. મોઢા ‘શિરીષ’ 8.5.1913-21.11.1987
પોરબંદરના આ કવિ. એમણે સરસ મજાનાં ગીતો લખ્યાં. પોરબંદરમાં દર મહિને ‘આ માસના ગીતો’નો કાર્યક્રમ થાય અને એમાં સરસ મજાની ગુજરાતી કવિતાઓના સ્વરાંકનો પ્રસ્તુત થાય. અમે સ્કૂલમાં ભણતાં અને એ વખતે ગીતો ગાવાનો વધારે ઉમંગ હતો. કવિના નામ સાથે ઝાઝી લેવાદેવા નહોતી ! આ ગીતનું સ્વરાંકન એટલું તો સુંદર થયેલું, આજેય મનમાં ગૂંજે છે. કવિએ ગીતો ઉપરાંત મુકતકો અને સોનેટ પણ લખ્યાં છે.
આજે આ કવિના જન્મદિવસે સ્મૃતિવંદન.
કાવ્યસંગ્રહો : પ્રયાણ, શ્રદ્ધા, આરત, શિલ્પા
OP 8.5.22