
🥀 🥀
કોઈ હરણું કયાંક લપસી જાય છે,
ઝાંઝવામાં લ્યો, ધબાકો થાય છે.
ઊઠ તડકા! જા, જરી તું વાત કર,
આંધળાનો જીવ છે, હરખાય છે.
એક સુક્કા નામની પણ જો અસર,
ભીંત પર વાદળ હવે ચિતરાય છે.
હું અનાગત નામનો સંબંધ છું,
એમ જન્મોજન્મથી કહેવાય છે.
એક પડછાયો ઘૂઘવતો ઓરડો,
એક દરિયો રાતભર રેલાય છે.
સૂર્ય! તારા દેશમાં મંદિર ઉપર,
રોજ ઝાકળનો હજી વધ થાય છે.
~ ધૂની માંડલિયા (12.11.24)
🥀 🥀
આંસુ અવાજો ના કરે, ઘોંઘાટ કેવળ જળ કરે,
ઘર તો સદા ધ્યાનસ્થ છે, ઉત્પાત સૌ સાંકળ કરે.
વરસાદ ફૂલોને સદા નવડાવતો આનંદથી,
શણગારવાનું કામ એને પ્રેમથી ઝાકળ કરે.
કેવા સિતમ યુગથી થયા, ઈતિહાસમાં ક્યાં નોંધ છે ?
ધૃતરાષ્ટ્ર જેવો છે સમય, ફરિયાદ કોને પળ કરે?
આકાશને જામીન પર છોડાવવાનું થાય તો
જામીન અરજી પર સહી સૌ પ્રથમ વાદળ કરે.
છે આપણા તો હાથમાં કેવળ સળી ને સાળ આ,
કાપડ વણીને આપવાનું કામ તો શામળ કરે.
હર પાંખ પાસેથી મળે આકાશની સઘળી વિગત
ક્યાં નરક છે? છે સ્વર્ગ ક્યાં? માનવ હજી અટકળ કરે.
થોથાં બધાં પધરાવ તું, આ શબ્દ તો અંધાર છે,
એવું અલૌકિક પામ ‘ધૂની’ જે તને ઝળહળ કરે.
~ ધૂની માંડલિયા (12.11.24)
🥀 🥀
મારી જ અંદર, એક એકાકી સડક છે,
દ્વંદ્વોના દરિયા છે, વિચારોના ખડક છે.
જો જીભ આવે ભીંતને તો, તો શું થશે ?
પ્રત્યેક છાની વાતને એની ફડક છે.
ફૂલોને મળવા તોય દોડી ગઈ હવા
એને ખબર છે, કાંટાનો પહેરો કડક છે.
હું તો કરું છું પ્રેમ ને વાતો તમે,
મારા-તમારા વચ્ચે બસ, આ ફરક છે.
આંખો અમારી છે એવો હક્ક દૃશ્યનો
આંસુ કહે, એવો અમારો મલક છે.
હમણાં જ એ આવી ગયા, એથી જ તો,
‘ધૂની’ શ્વાસના ચહેરા ઉપર કેવી ચમક છે.
~ ધૂની માંડલિયા (12.11.24)
🥀 🥀
શબ્દ જ્યારે પણ સમજણો થાય છે
અર્થ ત્યારે કંકુવરણો થાય છે.
આમ હળવું ફૂલ છે તારું સ્મરણ
આમ રાતે બોજ બમણો થાય છે.
આંસુઓથી એ સતત ભીંજાય છે,
પ્રેમપંથ એથી લપસણો થાય છે.
આ સવારો, સાંજ, પછી રાત પણ,
તુંય કાં સૂરજ, બટકણો થાય છે ?
રોજ નમણું રૂપ સામે જોઈને,
જો અરીસો પણ આ નમણો થાય છે.
~ ધૂની માંડલિયા (12.11.24)

વાહ ખુબ સરસ રચનાઓ
વાહ, ખૂબ જ સરસ ગઝલો આપે રજૂ કરી.
Very very Good All
saras. વરસાદ ફૂલોને સદા નવડાવતો આનંદથી,
શણગારવાનું કામ એને પ્રેમથી ઝાકળ કરે.