લતા હિરાણી ~ નરસિંહને * આસ્વાદ દેવિકા ધ્રુવ * Lata Hirani * Devika Dhruv

🥀 🥀

*નરસિંહને*

આદિ તું, મધ્ય તું, અંત તું શ્રીકવિ, પૂર્ણને પામિયો શ્વાસ તારો
તું જ ગોપી મહીં, તું જ કાના મહીં, વાંસળી-સૂરમાં વાસ તારો.

હાથ કરતાલ ને એ ચરણ નાચતાં, રાગિણી રાગનો રાસ થાતો
શામળા સંગ જે પ્રેમરસ પામતો, ઉર મહીં કેમનો એ સમાતો !

નીરખે આભમાં કાનને હરઘડી બાથમાં હરપળે એ જ ભાસે
સળવળે રોમમાં, નેણમાં ઝળહળે, પંડમાં હે પ્રગટ પરમ હાસે.

શ્હેર જૂનાગઢે શ્રી હરિને સ્મરી, કુંડ દામોદરે કેલિ કરતો
નાગરી નાતનો વંશવેલો રૂડો, કૃષ્ણના ગાનમાં લીન થાતો.

એ જ ગિરનારની વ્હાલની વાંસળી ને તળેટી તણો તાલ વાજે
નરસીના નાથને જોડી કર વીનવું, ઝૂલણા છંદથી આભ ગાજે.

~ લતા હિરાણી

રસદર્શનઃ દેવિકા ધ્રુવ

જેના રોમેરોમમાં ભક્તિ હતી તેવા આદ્ય કવિ શ્રી નરસિંહ મહેતાને બિરદાવતું એક સુંદર સ્તુતિગાન અને તે પણ એ જ કવિના અતિ પ્રિય ઝુલણા છંદમાં પ્રગ્ટ્યું છે.

પ્રથમ પંક્તિ વાંચતાની સાથે તરત જ નરસિંહ મહેતાનું  લાક્ષણિક ચિત્ર ઊભું થાય છે. 

‘‘આદિ તું, મધ્ય તું, અંત તું શ્રીકવિ…’’. બહુ સહજપણે સ્પષ્ટ જણાય છે કે આ કવિતા, ‘તું શ્રી કવિ’ એટલે કે નરસિંહ મહેતાને, વિશ્વના પરમ તત્ત્વના  આદિ, મધ્ય અને અંતને પૂર્ણતયા પામેલ નરસિંહ મહેતાને ઉદ્દેશીને અને તેમના કવનના ગુણગાન માટે જ લખાઈ છે. મહાન આદ્યકવિની રચનાઓ આજની તારીખમાં પણ અમરતા પામી રહી છે. ગોપી, કાના અને વાંસળીના સૂરમાં જેમનો શ્વાસ વસતો; જેમના પ્રભાતિયાંથી હજી પણ ગુજરાતીઓનું પરોઢ ઉઘડે છે, એ વાતને પ્રશંસતી લતાબહેનની એક અલગ અંદાઝની કલ્પના આ કવિતામાં  શરૂઆતથી જ કેવી ઊંચી કોટિએ જઈ પહોંચે છે! એ જ છંદોલય, એ જ પ્રેમમલક્ષણા ભક્તિભાવ, એ જ મધુરતા પણ એક નવા રૂપમાં.

શરૂઆતની પંક્તિઓમાં હાથમાં કરતાલ લઈ, ભક્તિમાં તલ્લીન થઈ, કૃષ્ણના પ્રેમરસનું પાન કરતા અને નાચતા નરસિંહ મહેતાનું સુંદર નર્તનરૂપ  ચિત્ર ખડું થાય છે. ‘હાથ કરતાલ ને એ ચરણ નાચતા’ ગીતના શબ્દો એકદમ યથાર્થ રીતે પ્રયોજ્યા છે કે ઘડીભર આપણને પણ નાચવાનું મન થઈ જાય!  વળી આગળ એ જ વાતનો ઘેરો રંગ ઉપસાવતા શબ્દો તો જુઓ! આભમાં, બાથમાં, રોમેરોમમાં, નૈણમાં, પંડમાં…. આહાહાહા…. કંઈ કેટલાંયે નરસિંહ મહેતાના પદો નજર સામે ધરી દે છે. ‘નીરખને ગગનમાં…કે અખિલ બ્રહ્માંડમાં…કે પછી જાગને જાદવા… પ્રેમરસ પાને તું મોરના પિંચ્છધર..’ બધાં જ પદો એકસામટા જાણે નજર સામે તરવરીને નાચવા લાગે છે.

સ્તુતિગાનનું એક લક્ષણ એ છે કે મન મૂકીને વધુ ને વધુ લીન થવું, ડૂબી જવું. એ રીતે હજી નરસિંહ મહેતા વિશે વધુ વાત કરતા કવયિત્રી કહે છે કે જૂનાગઢ શહેરના દામોદર કુંડમાં શ્રી હરિનું સ્મરણ કરતા નાગર જ્ઞાતિના આ વંશજ, કૃષ્ણના ગીતોમાં તલ્લીન રહેતા અને જાણે કે આજે પણ એ વહાલી વાંસળીના સૂર ગિરનારની તળેટીમાં વાગે છે.  અતિ ઋજુ હૃદયની નમ્રતાભરી છલકતી વાણી કવિતાને અંતે સરે છે; નરસિંહના નાથને હાથ જોડી, ઝુલણા છંદથી ગાજતા આભની જાણ કરે છે. એ કહે છે કે;

એ જ ગિરનારની વ્હાલની વાંસળી ને તળેટી તણો તાલ વાજે
નરસીના નાથને જોડી કર વીનવું, ઝૂલણા છંદથી આભ ગાજે.

નરસિંહ મહેતાના કૃષ્ણ પ્રત્યેના ભાવમાં, સંબંધમાં એક અદ્ભૂત રેશમી ગાંઠ હતી. તેમણે જે કણકણમાં અને ક્ષણક્ષણમાં પરમનો સાક્ષાત્કાર કર્યો છે એ ઘટના, એ શ્રદ્ધા, એ રચનાઓમાં થયેલું તેમનું સ્વયંભૂ પ્રગટીકરણ, ખૂબસૂરત સ્તુતિગાનમાં ઢળ્યું છે. આ કવિતામાં સચ્ચાઈ સ્પર્શે છે તથા શબ્દોમાં નર્યો આદર અને અહોભાવ નીતરે છે. ગીતમાં લય, તાલ અને સંગીત છલકે છે એટલે જ તો આ કાવ્ય એક મહામૂલા મોતી જેવું પાણીદાર બન્યું છે જે વાંચીને હૃદયમાં પ્રસન્નતા છવાઈ જાય છે.

આમ તો માત્ર ૧૦ જ પંક્તિની નાનકડી કવિતા છે પણ એના લાઘવમાં ભાવની ભરીભરી એકાત્મકતા છે, સઘનતા છે અને લયના મોહક આવર્તનો છે. ઘણા શબ્દો બેશક નરસિંહ મહેતાના છે પણ ઊર્મિભરી સ્તુતિ તો કવયિત્રીના ભીતરમાં ઓળઘોળ થઈને પથરાયેલી છે. શ્રદ્ધા, પ્રેમ અને સમર્પણથી સભર ભક્તિ જેવાં જ લય, તાલ અને નાદથી ભરેલું નરસિંહ મહેતા માટેનું આ સ્તુતિગાન  કાનમાં જાણે ગૂંજ્યા કરે છે, કલમને સાર્થક બનાવે છે. કવિ શ્રી વિવેક ટેલરે સાચું જ લખ્યું છે કે, ખુદ નરસિંહને ફરી આવવાનું મન થાય એવી મજાની આ ગીતરચના છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

12 thoughts on “લતા હિરાણી ~ નરસિંહને * આસ્વાદ દેવિકા ધ્રુવ * Lata Hirani * Devika Dhruv”

  1. કિશોર બારોટ

    લતાબેનની મને ગમતી રચનાનો દેવિકાબેનના આસ્વાદથઈ વધુ ગમતી થઈ.

  2. સતીશ જે.દવે

    કાવ્ય અને આશ્વાદ બંને ઉત્તમ..

  3. લતાબહેનની ગીતરચના જ એટલી મઝાની બની છે કે, આસ્વાદ કરવાનું મન થાય જ. એટલું જ નહિ, એને ‘ગમતાના ગુલાલ’ની જેમ વહેંચવાનું પણ ગમે જ. આપ સૌ ભાવક/ પ્રતિભાવકના શબ્દો માટે આનંદ અને દિલથી આભાર.

  4. મનોહર ત્રિવેદી

    નરસિંહ વિશેનું તમારું ગીત અદ્ભુત છે. દેવિકાબહેનને પણ મારી શુભકામનાઓ પહોંચાડજો.

Scroll to Top