પંચમ શુક્લ ~ દોરા જેવી રાખડી & કિશોર બારોટ ~ ભરઉનાળે * Pancham Shukl * Kishor Barot

🥀 🥀

દોરા જેવી રાખડી રક્ષા કરે,
ભાઈની સૌ બહેનડી રક્ષા કરે.

ક્યાંક ઢીંકા, લાકડી રક્ષા કરે,
ક્યાંક પવનરી પાવડી રક્ષા કરે.

બહારની ના કોઈ કડવાહટ નડે,
ગોળની એક ગાંગડી રક્ષા કરે.

ખૂલતાં ને બંધ થાતાં દ્વારની,
નાની સરખી આંકડી રક્ષા કરે.

આઠ મહિના આસમાની સાચવે,
ચાર મહિના ચાખડી રક્ષા કરે

ઇન્દ્રિયો, શ્રાવણમાં ચેતી ચાલજો,
શિવની ત્રીજી આંખડી રક્ષા કરે.

સૌના મનની સૌને કરવા દો ફિકર,
આપડું મન આપડી રક્ષા કરે.

~ પંચમ શુક્લ

🥀 🥀

ભરઉનાળે તારા પથ પર ઝરમર ઝાકળ ઝરે
લાડકવાયા વીરા, તારા રામ રખોપા કરે.

રાખડીએ ગુંથ્યા છે હરખે, મેં મારા ઉમળકા,
સપનામાં પણ તારા હૈયે પડે નહીં ઉજરડા.

હસી ખુશીના હિલ્લોળા હો, હર પળ તારા ઘરે
લાડકવાયા વીરા, તારા રામ રખોપા કરે.

તારા ઘરની આજુબાજુ ફરકે ના કોઈ રોગ,
તારે ભાણે ભરચક હોજો કાયમ છપ્પન ભોગ,

તારે આંગણથી ના કોઈ ઠાલું પાછું ફરે
લાડકવાયા વીરા
, તારા રામ રખોપા કરે.

પરસેવામાં ઝબકોળી તું પહેલાં કરજે શુદ્ધિ
અભરે ભરજે તારા ઘરમાં એવી તું સમૃદ્ધિ
,

તારા ઘરમાં શુભલક્ષ્મીજી સદા બેસણાં કરે
લાડકવાયા વીરા, તારા રામ રખોપા કરે.

~ કિશોર બારોટ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top