પન્ના નાયક ~ એકાદ વાર Panna Nayak

🥀 🥀

આપણે

જિંદગી આખી

દીવાનખાનાની

વાતો કર્યા કરી…!

થાય છે –

એકાદવાર

એકાદ રાત તો

બેડરૂમની…

~ પન્ના નાયક

સાવ નાની અમથી બે જ લીટીની, સૉરી, દોઢ જ લીટીની કવિતા પણ આપણી સંવેદનાની આરપાર છરી હુલાવી જાય એવી. સ્ત્રીની કલમ છે. સ્ત્રીના જાતિગત સંસ્કાર એને સંબંધને મારા-તારાની પૌરુષી નજરે મૂલવવાને બદલે ‘આપણે’થી જ જોતાં શીખવે છે એટલે કવિતાની શરૂઆત ‘આપણે’થી થાય છે. જીવન આખું દીવાનખાનાની-દુનિયાની વાતોમાં જ વેડફાઈ ગયું. દીવાનખાનું પ્રતિક છે જાહેર વાતોનું જ્યારે બેડરૂમ અંગત વાતોનું પ્રતિક છે. કામસૂત્ર-ખજૂરાહોનો આ દેશ હોવા છતાં આપણે બેડરૂમમાં જઈએ છીએ ત્યારે ખિસ્સામાં ડ્રોઇંગરૂમ લઈ જવાનું ચૂકતા નથી પણ આપણા ડ્રોઇંગરૂમમાં બેડરૂમ ભૂલેચૂકે પણ આવી શકતો નથી. ‘આખી જિંદગી’ની અડોઅડ ‘એકાદ રાત’ મૂકીને કવયિત્રી કટાક્ષ બેવડાવે છે.

 પહેલું વાક્ય આશ્ચર્યચિહ્ન સાથે સમાપ્ત થાય છે. આખી જિંદગી દુન્યવી બાબતોમાં સહિયારી વેડફી દીધી હોવાની પ્રતીતિના પેટથી જન્મેલું આશ્ચર્ય છે આ. પણ એ વાક્યમાં પુરુષનું પ્રાધાન્ય છે એટલે એ વાક્યને પૂરા થવાનુઉં સુખ તો સાંપડ્યુ છે જ્યારે બીજું વાક્ય સ્ત્રીની લાગણીનું – ન જેવી માંગણીનું વાક્ય છે એટલે એ સહજ રીતે કાવ્યાંતે અધૂરું છૂટી ગયું છે…~ વિવેક ટેલર

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

1 thought on “પન્ના નાયક ~ એકાદ વાર Panna Nayak”

  1. 'સાજ' મેવાડા

    વેદના મય કટાક્ષ, જે એક સ્રી જ અનુભવી શકે.

Scroll to Top