ભાગ્યેશ જહા ~ મીરાંની જેમ મને મળજો * Bhagyesh Jaha

🥀 🥀

*તમે મીરાંની જેમ મને મળજો*

આસપાસ, આરપાર, અઢળક ઊભો છું,
તમે પાછા વળીને મને કળજો
,
તમે મીરાંની જેમ મને મળજો.

ઓઢણીમાં સૂસવાટો રણનો વંટોળ
અને વીરડીમાં જાગ્યું તોફાન
,
રણની રેતીમાં કેવું અદકેરું અટવાણું
સળગેલા સૂરજનું વહાણ.

કો’કવાર ધોધમાર દોડવાના દિવસોમાં
મંજીરા સાંભળીને વળજો
,
તમે મીરાંની જેમ મને મળજો.

તમરાના કાનમાંથી ટપકે છે રાત
અને મૌનનો ચણાયો મોટો મહેલ
,
ધૂપસળી જેમ કોણ ઓગળે છે ઓરડે
એને પૂછવાની કોણ કરે પહેલ.

એકધારો એકતારો છેડે જે રાગ તેમાં
એકપણું ભાળો તો ભળજો
,
તમે મીરાંની જેમ મને મળજો.

~ ભાગ્યેશ જહા    (મીરાંની જેમ મને મળજો)

કલ્પનો અને પ્રતીકોની કાવ્યાત્મકતા ગીતને ગમતું બનાવે છે.  

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

6 thoughts on “ભાગ્યેશ જહા ~ મીરાંની જેમ મને મળજો * Bhagyesh Jaha”

  1. આ ગીતનો ઠાઠ એના સરસ શબ્દ વિન્યાસ અને લયને કારણે પણ છે.જુદાજુદા સંદર્ભે પણ ગીત સરસ બન્યું છે.

  2. વાહ,‌ પ્રતીકો અને કલ્પનો ના સમજાય તોયે ભાવમાં ડૂબી જવાય એવું ગીત છે. “તમે મીરાંની જેમ મને મળજો” એજ યાદ રહી જાય.

Scroll to Top