*આભમાં*
આભમાં કોયલ કીર કબૂતર ઊડે:
ઝાડ જમીને
નભના નીલા રંગમાં ઘડીક તરતાં ઘડીક બૂડે.
જલની જાજમ પાથરી તળાવ
ક્યારનું જોતું વાટ:
કોઈ ના ફરક્યું કાબરકૂબર
સાવ રે સૂના ઘાટ !
એય અચાનક મલકી ઊઠ્યું
ચાંચ બોળી જ્યાં સૂડે.
વાત કે’વાને થડના કાનમાં
ડાળ જ્યાં જરાક ઝૂકી,
તોફાની પેલી ચકવાટોળી
ચટાક દઈને ઊડી.
પવન મધુર સૂરથી ગુંજે
વાંસળી વન રૂડે !
~ મણિલાલ દેસાઈ (19.7.1939- 4.5.1966)
*જંગલો*
વસ્તીની આસપાસ ઊગી જાય જંગલો,
મારા પ્રવાસમાં યે ભળી જાય જંગલો.
તારા એ પ્રેમને હવે કેવી રીતે ભૂલું ?
કાપું છું એક વૃક્ષ, ઊગી જાય જંગલો !
જો તું નથી તો તાય, અહીં કોઈ પણ નથી,
તુજ નામ આસપાસ ઊગી જાય જંગલો.
સૂકું જો ખરે પાન તો એની ખબર પડે,
વ્હેલી સવારે ઘરમાં ફરી જાય જંગલો.
લીલો અવાજ મોરનો હજુ યે ઉદાસ છે –
એ સાંભળીને રોજ તૂટી જાય જંગલો.
ચાવું છું ભાન ભૂલી તણખલું હું ઘાસનું,
ને મારે રોમ રોમ ઊગી જાય જંગલો.
લીલાં ને સૂકાં પાન ખરે છે ઉદાસીનાં,
ને શૂન્યતાના ઘરમાં ઊગી જાય જંગલો.
~ મણિલાલ દેસાઈ (19.7.1939- 4.5.1966)
*એક હળવી હવાને હિલોળે*
એક હળવી હવાને હિલોળે
ઉરનો અજંપો મારો ધીરેથી જઈ બેઠો
ખીલેલી રાતરાણી ખોળે!
પોતાનાં આજ જ્યારે રૂઠી ગયાં
ત્યાં કહો, કોને જઈને તે વાત કહીએ?
ઉરના કાંટા જ રહે વાગી
ત્યાં સૈયર રી, સેજને તે દોષ કેમ દઈએ?
પાંપણમાં ઘેન, ચેન હૈયે જરા ન
તો યે સૂતા ઉમંગ કેમ કોળે!
એક હળવી હવાને હિલોળે!
આંખો ઉઘાડું ત્યાં પાછી બિડાઈ જાય
જાણે ન હોય શું લજામણી !
એવી મુંઝાઈ મરું, નહિ હું તો ઓળખું
મારા અંતરની કોઈ લાગણી;
અંધારે અંગ મારું જાણે ભીંજાઈ જતું
ચૈતરની ચાંદનીની છોળે!
એક હળવી હવાને હિલોળે!
~ મણિલાલ દેસાઈ (19.7.1939- 4.5.1966)
*આખો દિવસ*
આખો દિવસ
આળસુ કૂતરાની જેમ
બેસી રહેલા
બત્તીના થાંભલાઓ
એકાએક ભસવા માંડ્યા.
અવાવરુ ઘરના ખાટલા નીચે
ભરાઈ રહેલો અંધકાર
ભાંખોડિયાં ભરતો ભરતો
બહાર નીકળી ગયો.
કબૂતરના ગળાની
નિઃસહાયતા
ઘૂ ઘૂ કરતી થીજી ગઈ.
બારીમાંથી
(કોઈની આંગળી પકડી
પાછી આવવા)
ક્ષિતિજ પર દોડી ગયેલી
મારી નજર
ધીમે ધીમે
ભારે પગે પાછી આવવા માંડી
સૂરજ ઢળી ગયો
ને અંધારાએ
બારી બંધ કરી દીધી.
~ મણિલાલ દેસાઈ (19.7.1939- 4.5.1966)

વાહ, ખૂબ જ સરસ કાવ્યો, ગઝલ, ગીત, અંછાદસ.
ખુબજ સરસ કાવ્યો ખુબ ગમ્યા