મનીષા જોષી ~ સમયનો આયામ * Manisha Joshi

🥀 🥀

સમયનો આયામ
વિસ્તરીને પડ્યો છે, આપણી વચ્ચે.
તું મને જીવનની ઉત્કટતાથી ઝંખે છે
અને હું મૃત્યુથી આકર્ષાઈને
તારી પાસે આવવા માગું છું.
હું રાહ જોઉં છું
તારી ભડકે બળતી ચિતા જોવાની.
સ્મશાનમાંથી પાછી આવીને
હું ફરી થોડું જીવીશ.
તારી ચિતામાં ઝંપલાવ્યા વિના જ
મારી ચામડી પર ઊઠી આવશે
દાઝવાના નિશાન.
શિશુની કુમળી ત્વચા લઈને તું ફરી જન્મશે
અને પ્રેમ કરશે એક દાઝેલી ત્વચાવાળી સ્ત્રીને.
આપણે નિયતિનાં સંતાનો છીએ
સમયનો આયામ
  ભલે રહેતો આપણી વચ્ચે.

~ મનીષા જોષી

બહુ રહસ્યમય આ શબ્દ છે, ‘પ્રેમ’…. કદાચ એને કલ્પનામાં જ પૂરો પામી શકાય… કવિતા, વાર્તા કે નિબંધોમાં એ મેઘધનુષના રંગો પહેરી કેવો ખીલે છે !! જળ-સ્થળ એક કરી મૂકે.. આકાશમાં વૃક્ષો ખીલવે કે ધરતી પર તારા બિછાવે… શબ્દે શબ્દે પ્રેમના નોખા નોખા મિજાજ વરતાય !! વાસ્તવમાં ‘પ્રેમ’ શું છે ? કોણ જાણે !! પ્રેમ કરનારાયે જાણે છે ?

મનીષા જોશીના આ કાવ્યમાં પ્રેમ પથરાઇને પડ્યો છે.. સમયની સીમાઓ વળોટી. કેમ કે એ જન્મથી મૃત્યુ સુધી હાંફે છે. એની એક જન્મથી બીજા જન્મ સુધીની હરણફાળ છે. કવિતામાં શબ્દો જેટલા ઉત્કટ છે એટલા આકરા છે. આ મનીષા જોશીની ખાસિયત છે. એ હળવું આલાપતા નથી. ભાર પણ આપતા નથી. ‘એક ઘા ને બે કટકા’ના ન્યાયમાં કદાચ માને છે..

નાયિકા પ્રેમીની ઉત્કટ ઝંખનાને આવકારે છે તો મૃત્યુની જ્વાળાનેય ડારે છે. તલસાટ બેય પક્ષે સરખો છે. ભડકે બળતી ચિતાનો એમને ડર નથી.. એ ઓળંગીનેય આવવાની નાયિકાની તૈયારી છે. મોત શું છે ? એક નવા કુમળા જીવનની પૂર્વતૈયારી !! એટલે જ એને જીવવું છે, સ્મશાનમાંથી પાછા આવીનેય જીવવું છે. અલબત્ત, મોતને નજર સામે નિહાળવું સહેલું નથી. આગ એ આગ છે. દૂર રહીનેય દઝાડે. મનની આગ તો એથીયે વધુ. એનાં ઉઠેલાં નિશાન સાથે નાયિકાને જીવવું છે જેથી શિશુની કુમળી ત્વચા લઇને જન્મેલો પ્રેમીને એની તરત પહેચાન થાય અને પછી પ્રેમ આખર પ્રેમ છે. એક જન્મથી બીજા જન્મ સુધી પથરાયેલો સમયનો આયામ ભલે જીવ્યા કરે. પ્રેમ પણ જીવ્યા કરશે, સીમારહિત.. અનંત..

વાત પ્રેમની છે. વાત સમયને ઓળંગવાની છે, ભલે એના પથરાતા આયામને સ્વીકાર્યો હોય. જવું છે એની પાર. પહોંચવું છે એ પ્રદેશમાં જ્યાં પ્રેમ સિવાય બીજું કશું જ ન હોય. પ્રેમ સામે સમય પણ હારે એ નેમ છે. પ્રેમનું અજવાળું, જીવનનું અજવાળું એવું તપે છે કે મૃત્યુનું અંધારું એને ન ઓળંગી શકે. મહિમા ઉઘાડનો છે, મહિમા પ્રેમની નક્કરતાનો છે. મહિમા કસોટીમાંથી કંચનની જેમ પાર ઉતરવાનો છે. બાકી આ કવિતા છે. કવિતાના શબ્દો અર્થોનો કેટલોય ઉઘાડ પાથરે. જેવી ભાવકની સજ્જતા. જેવી  અંદરનાં અજવાળાંની ગતિ અને સ્થિતિ, એવો એનો આકાર નિપજે.

જુઓ ધૂમકેતુએ અહીં પ્રેમ અને કવિતા બંનેને કેવા આબાદ ઉપસાવ્યાં છે !! ‘પ્રેમ નાટક નથી, કવિતા છે જેની એક પંક્તિ સમજવા માટે તમારે હજાર જનમ લેવા પડે.’ એમાં ઉમેરી શકાય કે એક કવિતા ભાવકને એક હજાર જુદા જુદા અર્થો આપી શકે.

દિવ્ય ભાસ્કર @ મધુરિમા @ કાવ્યસેતુ 107 @ 8 ઓક્ટોબર 2013

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

9 thoughts on “મનીષા જોષી ~ સમયનો આયામ * Manisha Joshi”

  1. Kirtichandra Shah

    હું મનીષા જોશીને એમની …કંસારા બજાર કવિતાના રચનાર તરીકે જાણું છું જે કવિતા સંગ્રહ નું ટાઇટલ બન્યું સમયનો આયામ નામની રચના ભાવિક ને હજાર અર્થ આપીજ શકે Right Very Right

  2. મનીષાબેનનું આ કાવ્ય ઘણું જ અર્થસભર અને એટલું જ સંવેદનશીલ છે . કવિયત્રીશ્રીને હાર્દિક અભિનંદન !
    પ્રફુલ્લ પંડ્યા

  3. Jigna Trivedi

    વાહ, મનીષા બહેનની ખૂબ હૃદયસ્પર્શી રચના.એનો આસ્વાદ પણ બહુ સરસ.

Scroll to Top