*જોયા કરી*
ચોતરફ ઈમાનની સોદાગરી જોયા કરી;
દર્દહીણી જિંદગીની દિલ્લગી જોયા કરી.
એક મૂંગી વેદનાનો આશરો લઈ હે ખુદા!
તરબતર આંખોથી તારી બંદગી જોયા કરી.
આંખમાં મૃગજળનો દરિયો, હોઠ પર પ્યાસી તરસ,
આયનામાં એમ કૈં દીવાનગી જોયા કરી.
એક ભીની પળ લઈ ચાલ્યો ગયો જ્યારે અતીત,
મેં સમય કેરી ક્ષિતિજ પર જિંદગી જોયા કરી.
એમનામાં કૈંક તો છે આસ્થા જેવું ‘સમીર’,
શેખજીએ બેખુદીમાં બંદગી જોયા કરી.
~ મહેન્દ્ર ‘સમીર’ (14.8.1931)
મૂળ નામ મહેન્દ્ર જીવણલાલ જોશી
કાવ્યસંગ્રહ : ‘ફૂલ અને ફોરમ’
*ગઝલ રેલાય છે*
આંખ ઊઘડે ને ગઝલ રેલાય છે;
હોઠ ખોલું ત્યાં ગઝલ વેરાય છે.
છત ઉપરથી ઊતરી જ્યાં ચાંદની—
ફૂલની ઓથે ગઝલ શરમાય છે.
આભથી વરસી પડે મોસમ વગર,
ને સરોવર થઈ ગઝલ છલકાય છે.
છીપ, મોતી, માછલી દરિયો લઈ,
ફીણ ઓવારે ગઝલ ઠલવાય છે.
આયખું ઝાકળ બની સ્પર્શે કદી,
ફૂલની માફક ગઝલ ભીંજાય છે.
~ આર. જે. નિમાવત (14.8.1935)
કાવ્યસંગ્રહો ‘પીળા પર્ણનો ટહૂકો‘, ‘ગોફણ’, ‘ખુલ્લાં કમાડ‘,

બંને નિવડેલા કવિઓની મસ્ત ગઝલો માણવા મળી.
બંને રચનાકારની રચનાઓ એમના સ્થાને બરાબર છે.
બન્ને રચનાઓ ખુબ સરસ ખુબ ગમી