🥀🥀
હરિ! મને કોકિલ બનાવી વનમાં મૂકિયો,
વળી તમે વસંત બનીને વિલસ્યા પાસ:
હવે હું મૂંગો કયમ રહું?
હરિ! મને ઝરણ બનાવી ગિરિથી દોડવ્યો,
વળી તમે દરિયો થઈ દીધી દિલે આશ:
હવે હું સૂતો કયમ રહું?
હરિ! મને સુવાસ બનાવી કળિયું ખીલવી,
વળી, તમે પવનો થઈ પ્રસર્યા ચોપાસ:
હવે હું બાંઘ્યો કેમ રહું?
હરિ! મને દીપક પેટાવી દિવેલ પૂરિયાં,
વળી તમે ફરતા ફેલાયા થઈ આકાશ:
હવે હું ઢાંકયો કયમ રહું?
હરિ! મને હુંપદ આપીને પુરુષાર્થી કર્યો,
વળી તમે પરમ પદ થઈ દીધી પ્યાસ:
હવે હું જુદો કયમ રહું?
~ મુકુંદરાય પટ્ટણી ‘પારાશર્ય‘ (13.2.1914 થી 20.5.1985)
🥀🥀
બેન, બંધાતી છીપલી ખોલીએ નૈં
બેન, ઉરની સુવાસને તોળીએ નૈં
બેન, જીવવાના અવસરને ટાણે એ પ્રીતડી બોલીએ નૈં
બેન, આછરતાં નીરને ડોળીએ નૈં
બેન, પોતાની છાંયમાં મોહીએ નૈં
બેન, અંતર-વસનારને સેવ્યા વિણ એકલાં સૂઈએ નૈં
બેન, કાચી કળિયુંને કદી તોડીએ નૈં
બેન, સરજાતી સુરભિને વેરીએ નૈં
બેન, ઋતુવરના સ્પર્શની વેલાં થઈ ફૂલડું ખીલીએ નૈં
બેન, મધુવનની વાતડી છેડીએ નૈં
બેન, પામ્યા સંકેતને બોલીએ નૈં
બેન, માધવનું હેત મળ્યું કેવું, એ કોઈને કહીએ નૈં
બેન, હું પદ રાખી એને પેખીએ નૈં
બેન, વિરહે દાઝીને એને ભેટીએ નૈં
બેન, ફૂલડાંનો હાર થયા પ્હેલાં શ્રીકંઠમાં પડીએ નૈં
~ મુકુંદરાય પટ્ટણી ‘પારાશર્ય‘ (13.2.1914 થી 20.5.1985)
🥀🥀
કવિના જન્મદિને સ્મૃતિવંદના.
કવિને 1978માં નર્મદસુવર્ણચંદ્રક
કાવ્યસંગ્રહો :
1. અર્ચન 1938 2. સંસૃતિ 1941 3. ફૂલ ફાગણનાં 1956 4. દીપમાળા 1960 5. કંઠ ચાતકનો 1970
6. પ્રાણ બપૈયાનો 1979 7. ભદ્રા 1981
@@
ખૂબ સરસ કાવ્યો છે વાહ
એક એક અંતરો, પ્રત્યેક ગીતનો… કેટલો હેતાળ, કેટલો મરમાળ કેવો તો દિવ્ય મર્માળ . . કવિને શત શત પ્રણામ
સદ્ગત કવિ શ્રી ને સ્મૃતિ વંદન.