મેઘા દિનેશ શાહ ~ એક એક (લઘુકાવ્યો) * Megha Dinesh Shah   

🥀🥀

એક એક
બુંદ શબ્દનાં
ભેગાં કરીને
મેં રચ્યું
શબ્દનું સરોવર
ને
એમાં ખીલશે
હવે
મારી ‘ઇમેજ’ના કમળ

~ મેઘા દિનેશ શાહ 

એક વ્યક્તિ જ્યારે પોતાનું જીવન શબ્દના શરણે ધરી દે ત્યારે કેવા કેવા મનોભાવોમાંથી પસાર થાય ! કવયિત્રી મેઘા કંઇક આવી અભિવ્યક્તિ લઇને આવે છે. શબ્દની દુનિયામાં પ્રવેશવું એ બીજા કોઇ વ્યવસાયની જેમ માત્ર પસંદગીનું કે તકનું ન હોઇ શકે. એના મૂળ ઊંડા હોય છે. શબ્દ, લખાતા શબ્દ પ્રત્યેનું આકર્ષણ અને એ તરફ જવાનું મન એ ક્યાંક ઇશ્વરનું વરદાન બની લોહીમાં વહેતું હોય છે, ખાસ કરીને સર્જનાત્મક લેખનની બાબતમાં તો ખરું જ ખરું,

કવયિત્રીએ શબ્દના એક એક બુંદ એકઠા કરીને મજાનું સરોવર રચ્યું છે. જુઓ, કવયિત્રીએ સીધેસીધું શબ્દનું સરોવર એમ નથી કહી દીધું. એણે શબ્દનાં એક એક બુંદ એકઠા કર્યા છે. એક સ્વતંત્ર શબ્દ અર્થનો મહિમા ધરાવતો હોય પણ શબ્દો ભેગા મળીને જ જુદો જ અર્થ પ્રગટાવતાં હોય છે, એ વાતને અહીં સુંદર રીતે રજૂ કરી છે. શબ્દનું આ સરોવર ભાવની ભીનાશથી ભર્યું છે, અર્થની સુંદરતા એમાં નિવાસ કરે છે. આ સરોવર નયનરમ્ય છે ને આખરે એ સર્જન રચયિતાની ‘ઇમેજ’ ઊભી કરશે. લોકો એને એનાથી ઓળખશે. સાચી વાત છે. સર્જક પોતાના શબ્દોથી જ ઓળખાતો હોય છે.

કવયિત્રીને ખુદમાં શ્રદ્ધા છે. એની શક્તિમાં શ્રદ્ધા છે. પોતાના શબ્દો, એના દ્વારા વ્યક્ત થતું સંવેદન એ કોઇ સામાન્ય બાબત નહીં હોય. એ શબ્દ સરોવરમાં પોતાની પ્રતિભાના સુંદર મજાનાં કમળ ખીલશે. આ દ્વારા પોતાની એક આગવી છાપ ઊભી કરવાની નાયિકાની મહેચ્છા છે. દરેક સર્જક એવું જ કંઇક ઇચ્છતો હોય છે. આવાં નાનાં નાનાં મજાનાં સંવેદનોના ફૂલો કવયિત્રીએ ખીલવ્યા છે. તમે જ એની ‘ઇમેજ’ અનુભવો !!  

ફૂલોને તો
મેં
કાગળ પર
ચીતરી દીધાં
પણ
સુગંધને ચીતરવા
જ્યાં
હાથ લંબાવ્યો
ત્યાં .. ?……………

સપનાં પણ આ જ માનસિક અવસ્થાનો ભાગ છે. જુઓ, કવયિત્રી અહીં શું કહે છે ?

ગગનચુંબી
ઇમારતના
ટોપ ફ્લોર પરથી
આકાશનાં સપનાંઓ
ઘરમાં લાવવા
મથી રહી છું
કેવળ……

લો, કવયિત્રીની એક રચના વધારે……..

રોજ સવારે
ઝાકળનાં દર્પણમાં
પોતાનો
ચહેરો જોઇને
સૂરજ થઇ જાય છે
રાતો માતો……

દિવ્ય ભાસ્કર @ કાવ્યસેતુ 138 @ 27 મે 2014

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

3 thoughts on “મેઘા દિનેશ શાહ ~ એક એક (લઘુકાવ્યો) * Megha Dinesh Shah   ”

Scroll to Top