યામિની વ્યાસ ~ એકલતા અડે * Yamini Vyas

વરસાદમાં

સાવ એકલતા અડે વરસાદમાં,
યાદનાં ફોરાં પડે વરસાદમાં.

યાદ છે, તરબોળ ભીંજાયા હતાં,
બાગના એ બાંકડે વરસાદમાં.

બાળપણમાં કેટલા મોતી ગણ્યા!
થોકડે ને થોકડે વરસાદમાં.

મહેંકતી માટી સમો મહેંકી ઊઠે,
રોટલો પણ તાવડે વરસાદમાં.

ચાંચમાં ટહૂકી લઈ ઝૂમે વિહંગ
નીડ એને ક્યાં જડે ? વરસાદમાં.

ઘર વિચારે, કોણ આ ગાતું હશે?
છાપરે નેવાં દડે વરસાદમાં……….

~ યામિની વ્યાસ

વરસાદ મન મૂકીને વરસી રહ્યો હોય ત્યારે કેટકેટલી યાદોની વણઝાર મનમાં ઊભરાય !! આ એવી ઋતુ છે કે જેમાં જેના રોમે રોમે કૂંપળ ફૂટી ઊઠે ! યુવાન હૈયાં એકલાં હોય તો ઝૂરી રહે અને સંગાથે હોય તો ઝૂમી ઊઠે એ આ મોસમનો પ્રતાપ !! વ્યક્તિ કોઇપણ હોય, વરસતો વરસાદ એનામાં જરૂર વ્યાકુળતા જન્માવશે, પછી એ પ્રિયજનને મળવાની હોય, બાગના બાંકડે જઇ પલળવાની હોય કે રસ્તાની લારી પર જઇને ગરમ ગરમ દાળવડા ખાવાની હોય !!  બાળક માંડીને દરેક ઉંમરની વ્યક્તિને વરસાદની ભીનાશ ક્યાંક ને ક્યાંક જરૂર સ્પર્શી  જવાની.

અહીં કવિએ પ્રેમીજનની એકલતા અને સ્મરણોના સંસ્પર્શથી માંડીને ગરમાગરમ રોટલાની સુગંધ સુધીનું બધું જ કાવ્યમાં સમાવી લીધું છે.

કાવ્યસેતુ 93 > દિવ્ય ભાસ્કર > 2.7.2013 (ટૂંકાવીને)  

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

4 thoughts on “યામિની વ્યાસ ~ એકલતા અડે * Yamini Vyas”

  1. વરસાદનો દરેક વ્યક્તિ ઉપર પડતો પ્રભાવ કાવ્યમાં વ્યક્ત થયો છે. અભિનંદન.

Scroll to Top