રમેશ પારેખ ~ બે ગીતો * સ્વર ~ ઓસમાન મીર * Ramesh Parekh

🥀🥀

*ડોશી*

ડોશી હાડકામાં ભળભાંખળાનું કાચું અંધારું મમળાવે
પ્રભાતિયાંમાં ઘરડી જીભ ઝબોળે

નાવણનાં પાણીમાં ગંગા-જમનાનાં પુણ્ય ફંફોસે
પૂજામાં લાલાને કરચલિયાળ ચામડીનો ઉપરણો ધરે.
માગણના ખલતામાં વાડકો એક ધ્રૂજારી ઠાલવે.
ગાયકૂતરાંને બીક ચોપડેલી ચાનકી નીરે.

ઊગતા સૂરજને ઝાંખાં ઝળઝળિયાંથી વાંદે
ઘરને છીંકણીના સડાકામાં મૂંગીમૂંગી ભોગવે
ગળા નીચે ઊતરી ગયેલી વાચાનો વાછૂટમાં મોક્ષ કરે
આખ્ખું જીવતર બીજાઓના ભોગવટામાં ભાળે

જગતભરની એકલતા ઉપાડી-
વાંકી વળી ગયેલી પોતાની પીઠ અઢેલવાને
ફળિયાની ધૂળમાં શોધે ખોવાયેલા ડોસાને…

~ રમેશ પારેખ

🥀🥀

ગઢને હોંકારો તો કાંગરાય દેશે,
પણ ગઢમાં હોંકારો કોણ દેશે ?
રાણાજી, તને ઉંબરે હોંકારો કોણ દેશે?

આઘેઆઘેથી એને આવ્યાં છે કહેણ,
જઈ વ્હાલમશું નેણ મીરાં જોડશે,
હવે તારો મેવાડ મીરાં છોડશે.

આઠે અકબંધ તારા ભીડ્યા દરવાજાનાં ફૂલ જેમ ખૂલશે કમાડ
વેગીલી સાંઢણીઓ વહી જાશે દૂર મૂકી ધૂળ મહીં ઊડતો મેવાડ
કિનખાબી પહેરવેશ કોરે મૂકીને મીરાં
કાળું મલીર એક ઓઢશે.
હવે તારો મેવાડ મીરાં છોડશે.

પાદરેથી રસ્તાઓ પાછા વળશે રે લઈ લેણદેણ તૂટ્યાનું શૂળ
ડમરી જેવું રે સહેજે ચડતું દેખાશે પછી મીરાં વીખરાયાની ધૂળ
મીરાં વિનાનું સુખ ઘેરી વળશે ને રાજ
રૂંવે રૂંવેથી તને તોડશે
હવે તારો મેવાડ મીરાં છોડશે.

~ રમેશ પારેખ

સ્વર ~ ઓસમાન મીર * સ્વરાંકન : હરિશ્ચંદ્ર જોશી



Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

3 thoughts on “રમેશ પારેખ ~ બે ગીતો * સ્વર ~ ઓસમાન મીર * Ramesh Parekh”

  1. કવિ શ્રી ને સ્મૃતિ વંદન. બીજુ ગીત, “ગઢને હોંકારો ” ને ઓસમાન મંમીરે પણ ખૂબ જ ભાવવાહી ગાયું છે.

Scroll to Top