રાજેન્દ્ર શાહ ~ કેવડિયાનો કાંટો * આસ્વાદ ~ સંજુ વાળા * Rajendra Shah * Sanju Vala

*કેવડિયાનો કાંટો* ~ રાજેન્દ્ર શાહ

કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે,
મૂઈ રે એની મ્હેક, કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે.

બાવળિયાની શૂળ હોય તો
ખણી કાઢીએ મૂળ,
કેરથોરના કાંટા અમને
કાંકરિયાળી ધૂળ;
આ તો અણદીઠાનો અંગે ખટકો જાલિમ જાગ્યો રે,
કેવડિયાનો  કાંટો અમને  વનવગડામાં  વાગ્યો રે.

તાવ હોય જો કડો ટાઢિયો
કવાથ કુલડી ભરીએ,

વાંતરિયો વળગાડ હોય તો
ભૂવો કરી મંતરીએ;

રૂંવે રૂંવે પીડ જેની એ તો જડે નહિ કહીં ભાંગ્યો રે,
કેવડિયાનો  કાંટો  અમને  વનવગડામાં  વાગ્યો રે.

~ રાજેન્દ્ર શાહ

*અણદીઠની પીડા અને મહેકસભર મનોભાવનું ગીત – સંજુ વાળા*

અનુગાંધી યુગના રસજ્ઞ કવિ રાજેન્દ્ર કેશવલાલ શાહ(1913-2010)નો જન્મ કપડવંજ (ગુજરાત)માં. તેમનો કાવ્યકાળ રાજેન્દ્ર-નિરંજનયુગ તરીકે ઓળખાયો. રાજેન્દ્રની કવિતામાં બંગાળી લોક-બાઉલસંસ્કાર કવિની પ્રજ્ઞા છે તો ગુજરાતી લોકલય અને સંસ્કૃતિ તેમના આંતરસ્રોત તરીકે ઉપસતાં રહે છે. રાજેન્દ્ર શાહ જ્ઞાનપીઠ સન્માનથી વિભૂષિત ગુજરાતીના સૌંદર્યરાગી, પ્રશિષ્ઠ કાવ્યઉપાસક છે. આ ગીતમાં પ્રણયની ગાઢ પ્રતીતિની ગૂઢ કબૂલાત, ભાવ-ભાષાના હિલ્લોળે કાવ્યનાયિકાના મનોવ્યાપારને ગૂંથે છે.

કેવડાનું ‘કેવડિયો’ થાય ને ગીતનું લાલિત્ય પ્રગટાવતી છડી પોકારે. તરત આવે ‘વ’ અક્ષરની વર્ણસગાઈની મધૂર અને વરણાંગી રૂપરીતિ. જેણે આકર્ષણ ઊભું કર્યુ એણે જ ઉપાધિ ઊભી કરી. આ મહેકથી લલચાઈને નાયિકા નજીક તો ગઈ પણ એને ડંખ લાધ્યો. શેનો ? કાંટાનો કે મહેકનો ? એ જ તો કવિતા. પછીથી ગીતમાં કાવ્યચમત્કાર એવો તો થાય છે કે કેવડાને કારણે આ કોમળ અંગની નારીના હ્રદયમાં દવ લાગ્યો. આ કાંટો જ મહેકથી ભર્યો-ભર્યો હતો. એનો દાહ, નાનકડો હોય તો એને દાઝવું કહીએ પણ આ તો પ્રચંડ દાવાનળ ફાટી નીકળ્યો. તરત સમજાય કે આ મહેકપ્રેરિત ચોખ્ખો કામાગ્નિ છે. એમાં તરબતર થયેલી નાયિકા કેવો છણકો કરે છે ! : ‘મૂઈ રે એની મહેક !’

‘મૂઈ રે’ એ સંબોધન એની સખી થયું ? ના. નાયિકા પોતાનું વીતક વર્ણવે છે. અને સ્વ ઉદ્ગાર તરીકે લઈએ તો કહે છે કે મરે એની મહેક કે એણે આ દવ લગાડ્યો. સફળ કૃતિમાં આવો કસબ છૂપાયેલા હોય છે. અને એ એના સર્જકના કવિકર્મની સુવર્ણરેખ જેવો હોય છે.

આ પીડાનો કોઈ ઉપાય નથી મળતો આ નારીને. કેવડાના (ના, કેવડિયાના.) કાંટાના ચટકાએ અકળાવી દીધી છે એને. શું થાય છે એ જ સમજાતું નથી. કહે છે : બાવળની શૂળ હોત તો એને ઊંડેથી ખોતરી કાઢી હોત અને એની પીડા પણ એક જગાએ હોય પરંતુ આ તો ધૂળમાં છૂપાયેલી અણિદાર કાંકરીઓ પગના તળિયે ખૂંચી-ખૂંપી છેક હ્રદય સુધી સબાકા પહોંચાડે એવી વેદના ઊઠી છે. અંતરા પછીની પ્રાસબંધની પંક્તિ ગીતના વિષયવસ્તુનો નિર્દેશક અને સુદ્દઢ ઈશારો બની રહે છે. કેવડાના કાંટે કે એની મહેકે દીધી વેદનાની તો ખાલી વાતો. કોઈ જાણી ન જાય એ માટેનું બહાનું. આ તો એણે ઉશ્કેરી અને નાયિકા કોઈ અજાણી જ પીડામાં પરોવાઈ છે.

સફળ કૃતિમાં એના માસ્ટર કવિનો એવો છૂપાયેલો કાવ્યકસબ હોય છે કે એ નાનકડો સંકેત આપી દે. ભાવકે એને ઉકેલવાનો હોય છે. રાજેન્દ્ર આપણા માસ્ટર અને મર્મી કવિ છે. કહે છે : ‘આ તો અણદીઠાનો અંગે ખટકો જાલિમ જાગ્યો’ આ નિર્દેશ ગીતની પણ ‘માસ્ટર કી’ છે. એને સમજવાની છે, સમજાવીએ તો ગીતનાં નાજુકી અને માધુર્ય હાથથી છટકી જાય. પણ પેલી કાંટાની અને મહેકની પજવણી જાહેરાતનું બહાનું હતું આ તો અણદીઠનો એટલે જેને જોયો નથી તે અથવા શોધવા છતાં દેખાતો નથી એની આ આધિ-વ્યાધિ ઉપડ્યાનો એણે વરતારો દઈ દીધો.

બીજા અંતરામાં વળી પાછી નાયિકા આ વ્યાધિ પ્રગટવાના કારણોની શોધ આદરે છે. ના, ભાવકને ભટકાવે છે. દેહભાનમાં આવેલા આ ધસમસતા ધ્રૂજારાને માપવા કેવા સાવ તળપ્રદેશના ને લોકસમુદાયમાં ઠરેલાં વિઘ્નોની માંડણી કવિ કરે છે. વિશેષણો પણ કેવા અણબોટ અને આગવાં ! તાવ તો કે : ‘કડો ટાઢિયો’, એનો ઉપાય તો કે : ‘કવાથ કુલડી’. આ આપણી લોક ગુજરાતી છે. કડો ટાઢિયો તાવ એટલે જેમાં મોં બેસ્વાદ કે કડવું થઈ જાય અને સતત ધ્રૂજારી આવે. કવાથ એટલે કડવાણીનો ઉકાળો. વાંતરિયો એટલે વંતરીનો. વંતરી એટલે ડાકણ, ચૂડેલ. કવિએ રહસ્યમય સૃષ્ટિ સર્જી છે આ નારીના મનોભાવને પ્રગટાવવા ! ભાષાનું આ નવતર રૂપ ગીતને કેવું આહ્લાદક બનાવે છે એ જુઓ. પરંતુ આવું કૈં જ નથી. તો શું થયું છે ? પંક્તિ પ્રગટે છે : આ જેની રુંવે રુંવે પીડા છે એ તો કયાંય અને કોઈ રીતે જડતો નથી. અહીં ફરી પેલોં ‘અણદીઠાનો જાલીમ ખટકો’ હતો એને સમર્થન મળે અને ગીત પૂરું થાય.

કેવડિયાનો મહેકસભર કાંટો વાગે અને એ નાયિકાને સ્મરણયાત્રા કરાવે. પણ એમાં ઊંચો હાથ તો રહે કવિનો. અદ્ભુત ભાષા અને અણદીઠા મનોભાવને નિરૂપતું આ આપણું નમણું તો ખરું જ પણ ગુજરાતીનું અદકું અને આગવું ગીત છે. એના કવિ એટલે જ તો યુગધારક કવિ છે.

*****

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

10 thoughts on “રાજેન્દ્ર શાહ ~ કેવડિયાનો કાંટો * આસ્વાદ ~ સંજુ વાળા * Rajendra Shah * Sanju Vala”

  1. હરીશ દાસાણી.મુંબઈ

    પ્રસિદ્ધ ગીતનો રસમધુર આસ્વાદ

  2. મધમીઠું ગીત તેના આસ્વાદથી વધુ હૃદયંગમ બન્યું છે. આભાર.

  3. Kirtichandra Shah

    કવિતા ઘેલા સૌ ગુજરાતીઓ ને જીવન ધન્ય લાગે એવી રચનાઓ

  4. અણદીઠ જખમની વાત લઈને આવેલું આ મજાનું ગીત હ્રદયમાં સ્પંદન જગાવી દે છે.

  5. ઉચિત આસ્વાદ, માર્મિક અર્થઘટન અને કવિતાના તળ સુધી પહોંચેલી ભાવક વિવેચક દૃષ્ટિ.
    અદ્ભુત આસ્વાદ.

  6. Varsha L Prajapati

    ઉચિત આસ્વાદ, માર્મિક અર્થઘટન અને કવિતાના તળ સુધી પહોંચેલી ભાવક વિવેચક દૃષ્ટિ.
    અદ્ભુત આસ્વાદ.

Scroll to Top