રામ કાવ્ય ~ લતા હિરાણી * Lata Hirani

🌸

જયશ્રીરામ 

દીવડાઓની હાર ઝગી છે નભદરવાજે જયશ્રીરામ
નાદ, ઘોષ ને સ્વરલહરીઓ એક અવાજે જયશ્રીરામ.

ઓકળીએ આંગણ અજવાળ્યાં, અવસરના મંડપ રોપાયા
મંગલ ગીતો રહે છવાયાં, મનના દ્વારે જયશ્રીરામ

શેરી, નાકા, પાદર, ગામો, નગર ગલી સૌ ચક્કાજામ
દૃશ્યોના દરબાર ભરાયા, ધૂન બોલાયે જયશ્રીરામ

વનવાસે જે વિહરી વ્યાપ્યાં, ન્યાય સત્યને જેણે સ્થાપ્યાં
સમદર એના શ્રીચરણોને, રોજ પખાળે જયશ્રીરામ

ધર્મ એ જ છે ધારણ એનું, કર્મ એ જ છે કારણ એનું
એ જ સારથિ એ જ વિસામો, રહે સદાયે જયશ્રીરામ

એ જ ધરા ને છે નભમંડળ, સૂર્ય એ જ, છે તારાચંદર
વાયુ એને લઈને વહેતા, કણ કણમાં એ જયશ્રીરામ

દીવાલો ના રહી સલામત, નડતર સૌ થઈ ગયા અવાચક
ભેદ ભરમ ક્યાં? ખૂલી હકીકત, જાદુ વ્યાપે જયશ્રીરામ

બોલ બબાલો કરતા જેઓ, દોણી દૈની ભરતા જેઓ  (દૈ-નસીબ)
હડસેલાશે, ઠેલાશે ને ખૂણે થાશે જયશ્રીરામ

ભલે મુખોટા પહેરી ફરતા, જનતા ઠગવા વેશો ધરતા
કદી અરીસા ભણી ન જોશે, છો અટવાશે જયશ્રીરામ

આ કોઈ ના થઈ કરામત, સમય થયો છે આજે સાવધ
મૂળિયાં સદીઓની વિરાસત, એ સચવાશે જયશ્રીરામ

હૈયે જેને દશરથબાળ, હાથોમાં દિશા વરમાળ
ભારતમાના સંતાનો સૌ, સદાય ગાશે જયશ્રીરામ

જયશ્રીરામ જયશ્રીરામ 

~ લતા હિરાણી

મારી વાર્તા આપ નીચેની લિન્ક પર વાંચી શકો છો. આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

13 thoughts on “રામ કાવ્ય ~ લતા હિરાણી * Lata Hirani”

  1. ભદ્રેશ વ્યાસ "વ્યાસ વાણી"

    પ્રસંગને અનુરુપ બહું જ સુંદર ગીત.
    વાહ લતાબહેન વાહ.

  2. ભદ્રેશ વ્યાસ "વ્યાસ વાણી"

    બહું જ સુંદર ગીત.
    વાહ લતાબહેન વાહ.

Scroll to Top