લતા હિરાણી ~ કોરો કાગળ * Lata Hirani

સાવ કોરો કાગળ જોઈએ મારે

ને એમાં મારું સ્થાન

ને મારી દિશા

હું જ નક્કી કરું.

લીટીઓ દોરી આપે કોઈ

મારા રસ્તાની

એ વાત મને મૂળે જ અસ્વીકાર્ય

મારા શબ્દોને

કોઈ કહે એમ ખસવાનું

એટલું જ ચડવાનું કે ઉતરવાનું

મને મંજૂર નથી

એક પણ અક્ષર સીધી લીટી જેવો નથી

એક એક અક્ષર નોખો

એક એક માનવી અનોખો

પર્વત, શિખર, નદી, ઝરણાં, તરણાં

ઈશ્વરે એને ક્યાંય લીટીઓથી બાંધ્યા નથી

હું એટલે

મારામાં વહેતું ઝરણું

મારામાં ઉગતું તરણું

ને એમાંથી પ્રગટતા શબ્દો…

~ લતા હિરાણી

પોતાની કવિતા વિશે તો હું શું લખું ? પણ આશ્ચર્ય થાય છે કે મારી વીસ-બાવીસ વર્ષની વયે મને આવું ઊગ્યું હતું ! લખવા માટે લીટીઓવાળી નોટબુકમાં લખવાની મારી ચોખ્ખી ના. લીટીઓ વગરની નોટ જ જોઈએ. સ્કૂલમાં/કોલેજમાં તો ફરજિયાત લીટીઓ સ્વીકારવી જ પડે ! પણ મનની વાતો લખવા માટે લીટીઓ ન પોષાય ! સૌની દલીલ કે આવું ન ચાલે અને જવાબમાં મેં લખી નાખ્યું આ કાવ્ય ! જો કે ત્યારે તો અંગત ડાયરીમાં ઠાલવેલો આ આક્રોશ હતો, જે અક્ષરશ: એમ જ છપાઈને કાવ્ય ગણાયો ‘અખંડ આનંદ’માં લગભગ મારા બેતાલીસમાં વર્ષે…. ચલો, દેર આયે દુરસ્ત આયે…..

કાવ્યસંગ્રહ – 1. ‘ઝળઝળિયાં’  2. ‘ઝરમર’ 

27.2.21

જશવંત મહેતા

28-06-2021

આપણી પગદંડી આપણેજ પાડવી જોઈએ,વાત ગમી,સબળ કવિતા છે.અભિનંદન સહ સલામ…

ખ્યાતિ ખારોડ

13-04-2021

હસ્તાક્ષરવાળી રજૂઆત અત્યંત નાવીન્યપૂર્ણ; વળી કવિ સાથે વાચકની નિકટતા સીધી સ્થાપિત થતી હોય, એવું જણાય..????????????????

Neesha Nanavaty

13-04-2021

વાહ, લતાબેન !

દિના પંડયા

13-04-2021

વાહ લતાબેન કોરો કાગળ અદભુત અભિવ્યક્તિ અભિનંદન

વારિજ લુહાર

13-04-2021

આજે આપનું કાવ્ય માણવું વધારે ગમ્યું….

Parbatkumar

13-04-2021

ખૂબ સરસ કાર્ય

લતાબેન આપને જન્મદિવસની ખૂબ શુભેચ્છાઓ

Jayshree Patel

13-04-2021

બહુ જ સુંદર કાવ્ય ને તેટલું જ સુંદર ભાવ વિશ્વ

Sudhir bhatt

13-04-2021

Nice

પ્રતિમા

13-04-2021

રચના અને રજુઆત બહુ સરસ

સુરેશચંદ્ર રાવલ

13-04-2021

લતાબેન, કાવ્યવિશ્વમાં આપનું કાવ્ય ખૂબ ગમ્યું…
કોઈ લીટી દોરી આપે અને તે રાહ પર જ ચાલવું શા માટે…?
પોતે જ પોતાની કેડી કરવી અને ચાલવું ભલેને તે પથરાળ અને કંટક વાળો હોય…
કાવ્યનો ભાવ ખૂબ ગમ્યો…
તમારી કવિતા જુદો જ રાહ કંડારે છે તેનો વિશેષ આનંદ છે…!
તમે અન્ય કવિકર્મથી ખૂબ અલગ તરી આવો છો.
આપની કલમને સાદર નમન…!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top