તને હીંચકે ઝુલાવું ~ લતા હિરાણી
પોઢી જા મારા બાળ, તને હીંચકે ઝુલાવું
નીંદરરાણીનું વ્હાલ, તને હીંચકે ઝુલાવું….
તું સૂરજનું સંતાન, તને હીંચકે ઝુલાવું
તારા ઊંચા રે મુકામ, તને હીંચકે ઝુલાવું
તેજસ્વી તારું ભાલ, તને હીંચકે ઝુલાવું
તારા સપનાં વિશાળ, તને હીંચકે ઝુલાવું
તારી હાકલ જો પડઘાય, તને હીંચકે ઝુલાવું
આ ધરણી ધમધમ થાય, તને હીંચકે ઝુલાવું
પોઢી જા મારા બાળ, તને હીંચકે ઝુલાવું….
તું ગાંધીજીનું ગાન, તને હીંચકે ઝુલાવું
સચ્ચાઈનો પથ ઝાલ, તને હીંચકે ઝુલાવું
તું સરદારની શાન, તને હીંચકે ઝુલાવું
આઝાદીનું તું સંતાન, તને હીંચકે ઝુલાવું
ભારત માતાનું અભિમાન, તને હીંચકે ઝુલાવું
અજવાસો તું પ્રગટાવ, તને હીંચકે ઝુલાવું.
પોઢી જા મારા બાળ, તને હીંચકે ઝુલાવું….
છો અમૃતનું બાળ, તને હીંચકે ઝુલાવું
તારું હિમાલય આહવાન, તને હીંચકે ઝુલાવું
જ્યાં ગંગા ખળખળ જાય, તને હીંચકે ઝુલાવું
વંદે માતરમ છે પ્રાણ, તને હીંચકે ઝુલાવું
મંત્ર ગાયત્રીનું ગાન, તને હીંચકે ઝુલાવું
તું આર્યાવર્તની શાન, તને હીંચકે ઝુલાવું.
પોઢી જા મારા બાળ, તને હીંચકે ઝુલાવું…..
~ લતા હિરાણી
દેશભક્તિનું હાલરડું
ગુજરાત સાહિત્ય અકાદમીની દેશભક્તિના હાલરડાની સ્પર્ધામાં પ્રથમ વિજેતા (ફેબ્રુ. 2022)
OP 20.2.22
આભાર
01-03-2022
આભાર વારિજભાઈ, મેવાડાજી, પ્રફુલ્લભાઈ, છબીલભાઈ, સંધ્યાબેન અને દિપ્તીબેન.
‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો આભાર.
Varij Luhar
22-02-2022
અભિનંદન
Varij Luhar
22-02-2022
અભિનંદન
Dipti Vachhrajani
20-02-2022
મજ્જાનો લય અને સુવાડવું, ઝુલાવવું અને જગાડવાનું એકમેકમાં ભળી જવું. વાહ, ખૂબ ખૂબ અભિનંદન લતાબેન.
સાજ મેવાડા
20-02-2022
વાહ, “પોઢીજા મારા બાળ” નો રણકો ગમ્યો, ખાસ તો દીકરી છે કે દીકરો એ અધ્યાહાર રાખ્યું છે, એ વિષેસ ગમ્યું.
પ્રફુલ્લ પંડ્યા
20-02-2022
હાલરડાં લખાવા જ જોઈએ.જુનાં હાલરડાંઓથી ક્યાં સુધી ચલાવીશું ? નવું જનરેશન,નવી બદલાતી દુનિયા…આ બધામાં નવા આયામોની જરૂર છે.આપે આ દિશામાં ઈનીશીએટીવ લીધો અને સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું તે માટે આપ અભિનંદનના ખરાં અધિકારી છો !
પ્રફુલ્લ પંડ્યા
20-02-2022
માતૃ વાત્સલ્ય, દેશભક્તિ,પવિત્ર ભાવના અને બાળકનાં સર્વાંગી વિકાસ માટેની માની મમતાભરી કલ્પનાશીલતા જેવાં જીવન તત્વોથી આ હાલરડું ઝળહળે છે અને આપણા હાલરડાં સાહિત્યમાં આ કૃતિ ટકશે ! સુંદર હાલરડું !
છબીલભાઈ ત્રિવેદી
20-02-2022
આજે આપની રચના હાલરડુ ખુબ ખુબ સરસ દેશ ભકિત નુ હાલરડુ માણવા લાયક રહ્યુ આપની આ રચના ને પ્રથમ ક્રમ મળ્યો ખુબ ખુબ અભિનંદન લતાબેન
Sandhya Bhatt
20-02-2022
સરળ લય અને ભાષા,,સુંદર ભાવ અને મૂલ્યોથી ઓપતું હાલરડું મઝાનું છે..અભિનંદન ખૂબ ખૂબ..
દેશભક્તિ નું સરસ હાલરડું , લતાબેન…
અભિનંદન….
આભાર તનુજી