લલિત ત્રિવેદી~ અવળી ગંગા તરી જવી છે (કાવ્યસંગ્રહ)

🥀🥀

હવામાં ૐ લખનારા કવિ

કાવ્યવિશ્વમાં કવિ લલિત ત્રિવેદીના નવા ગઝલસંગ્રહ અવળી ગંગા તરી જવી છેનું સ્વાગત છે. કવિનો આ પાંચમો ગઝલસંગ્રહ છે. વંદન અભિનંદન કવિ !

આ ગઝલસંગ્રહમાંથી પસાર થતાં એમ કહી શકાય કે આજે ગઝલના મહાસાગરમાં આ ગઝલકારની બાની સાવ અલગ તરી આવે છે. ઉફરી ચાલે ચાલતી એક એક ગઝલ તપાસતાં લગભગ દરેકને ‘જરા હટકે’નું લેબલ આપતા જવું પડે.  આ ગઝલોને સૂફી કહી શકાય ? હા અને ના પણ. સૂફી મિજાજ ઉપરાંત પણ આધ્યાત્મિકતાના અનેક આયામો અહીં પામી શકાય છે. આધ્યાત્મિક, પૌરાણિક સંદર્ભો વીણવા બેસીએ તો ઝોળી છલકાઈ જાય, સમયના સંદર્ભો પકડતાં અવળી ગંગામાં ડૂબકીઓ દેવાતી જાય.

કવિની ગઝલોમાં ભાષાની ભભક ઓર જ છે પણ ભાવકને સમજવામાં જરા મુશ્કેલ પડે એવી આ ગઝલોને ભારેખમ બનાવવાનો આયાસ નથી. મૂળે ગહન વિષયો અને ઊંડી અનુભુતિના સ્તર આ રચનાઓને અઘરી બનાવે છે અને એ જ તો કવિની લીલા છે, કહો કે એમની કલમનું કૌવત છે.  

*અલ્પવિરામો*

  • કેટકેટલા નવા શબ્દો કવિએ કોઈન કર્યા છે. તરસ અને સરસ્વતીને જોડીને કવિ ‘તરસ્વતી’ કે ‘તરસવતી’ના ત્રણેક જગ્યાએ પ્રયોગ કર્યા છે તો ‘સબરબત્તી’,  ‘સબદાપર’, ‘ખબરબત્તી’, ‘તનકાર’, ‘ઝંખાવાત’, ‘મન્નપૂર્ણા’, ‘રાતતાળી’, ‘દંશહર્તાજી’, ‘જીવાસળી’, ‘જીવડિયા’ કે ‘સબદાટન’ ગઝલના ઘણા કાફિયા….      
  • કવિનો પ્રિય શબ્દ છે ગુપત’,  આખા સંગ્રહમાં લગભગ પંદર વાર આ શબ્દ જુદા જુદા સંદર્ભમાં વપરાયો છે.
  • પોતાની જાત માટે, ‘હું’ના નિવારણ માટે કવિ કેટલા સંબોધનો વાપરે છે ! ‘લલિતિયા’, ‘લલિતજી’,  ‘લલિતદાસા’  
  • મોટાભાગની ગઝલોમાં રહસ્યમય ભાષા વપરાઇ છે. બે-ચાર ઉદાહરણ –

          ‘હે પાંચે પાંચ પાણી, જાવું છે દશ અજાણી’

          ‘નકશામાં રહી રહીને ખંડેર થૈ ગઈ છે / જગ્યા બની ના સંપત સોંપું તો કોને સોંપું ?

          અને ક્યાંક એટલા ઝીણાં ઇંગિતો છે કે સંદર્ભ યાદ આવતાંયે વાર લાગે !

  • કેટલાંક કલ્પનો, પ્રયોગો નજરને ત્યાં જ અટકાવી દે એવાં છે, ઉદાહરણ જુઓ. – ‘ચરણામૃતનું ટીપું ફોલી, અવળી ગંગા તરી જવી છે.’
  • પ્રસ્તાવનામાં શ્રી રાજેશ વ્યાસ મિસ્કીન, કવિ લલિત ત્રિવેદીની ખૂબ જાણીતી અને ઉમદા ગઝલ ‘આ સમાધિની ક્ષણો, શ્વાસો, શ્રુતિ પ્રગટો હવે’થી આ સંગ્રહ વિશે પોતાની વાત માંડતા કહે છે, “… શ્રી રાજેન્દ્ર શુકલની ગઝલોએ ગુજરાતી ગઝલને ઉપનિષદની ભાષા અને ઉપનિષદનું ચિંતન આપ્યું છે. એ પછી ભાષાની દૃષ્ટિએ કોઈનું સૌથી વધુ નોંધપાત્ર પ્રદાન હોય તો એ લલિત ત્રિવેદીનું છે. આ માત્ર ભજનિકની જ ભાષા નથી, સૂફીઓની જ ભાષા નથી. આ સધુકડી ભાષામાં (કવિએ) નરસિંહ, સૂરદાસ, દાસી જીવણ, દયારામ, અખો, લોયણ જેવા ભીતરના પ્રવાસી કવિઓના પગેરુઓને અને પગરવને સાચવ્યા છે. રાજા ભરથરી અને પિંગળાના સંદર્ભો એક ગઝલકારની નજરે ખૂબ અસરકારક રીતે નિરૂપ્યા છે.”  
  • મન પર છવાઈ જાય એવા સંદર્ભો જુઓ

          કહે છે નમકની ગુણી… જ્યોતિ વિનાની પૂણી / લલદેની પીવા વાણી, જાવું છે દશ અજાણી..

          મુફલિસની આ મિલકત સોંપું તો કોને સોંપું ? / આ ગાલિબાના સોબત સોંપું તો કોને સોંપું ?’

          વકરામાં લૈને છપ્પા, વસતી કરું છું પલ્લાં / આ બેહિસાબ બરકત સોંપું તો કોને સોંપું ?’

          કદાચ ત્યાંથી હશે દામા કુંડનો મારગ / કલમમાં કેદારો રણકે છે એ જગા છે આ

          ‘એમાંથી મારા માપનું જો થઈ શકે ખમીસ / વણકરની શાળ પરથી એક ધાગો પડી ગયો

          ‘ગરવાની કોઈ ટૂકે જો રૂખડ મળે તો પૂછ / કોની અધૂરી રાતનો છાકો પડી ગયો.

*આ ઉપરાંત મને ગમેલા શેર*

  • હું અજપાજાપ સરખી એક અસ્ખલિતતા છું / નદીઓ સમય કે પવનો ક્યાંય ન મારો ડેરો.
  • લલિત નામે વાવ ને એમાં વાસ ગુપતનો / તળ ઉતરે રે કોણ જાણતલ જીવ જગતનો
  • તું મૌર્ય થા લલિત, રૂડી મેલ્ય આરતું / ભાળી લે ખોડીયામાં કે ભડકો પડી ગયો
  • ઋચાઓ ઋચાઓ…  જનમ લગ શિખાઓ / પ્રગટ હો ગહન લગ ધખારા કે આહા…
  • પીરબાઈને વળાવવાને નીકળ્યા છીએ / તળાવ આંખે ગળાવવાને નીકળ્યા છીએ
  • ખડીયે ઊગ્યાં ખડ કલમ્મમાં રેડ્યા છે જી / ને કળીઓને કળાવવાને નીકળ્યા છીએ.
  • હું એ મંદિરનો પૂજારી છું / તેજ પોતે જ્યાં ધાર કાઢે છે.
  • બીજ લગી જાવા નીકળ્યા ‘તા, વચમાં ફળ આવ્યા રે આડા / ખડિયાને ઝળઝળિયા ખૂટ્યાં, છેવટ કાપી દીધા કાંડા
  • એને મન શું ગંગાજળિયા, પીધા રે જેણે ઝળઝળિયાં / ઝાકળનું ટીપુ ફોલ્યું તો રંગ રંગ ખુલ્યા આભલિયા
  • દેખ લલિત તું ભર્યો છે અભરે, તુને ફકીર એક જ કમરે / ટીપું છાશની કોમ, રસિકડા ! જલસેથી રસપાન કર્યાં છે
  • તારા વિનાયે ચકલી નહાય, તારા વિનાયે સવાર થાય / તારા વિનાય ઝાઝું જીવાય હાય રે લલિત ત્રિવેદી હાય

અવળી ગંગા તરી જવી છે * લલિત ત્રિવેદી * રંગદ્વાર 2024

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

4 thoughts on “લલિત ત્રિવેદી~ અવળી ગંગા તરી જવી છે (કાવ્યસંગ્રહ)”

  1. હરીશ દાસાણી.મુંબઈ

    લતાબેને સરસ વિસ્તૃત નોંધ મુકી છે. “,મનુભાઈ ત્રિવેદી-સરોદ-ની પરંપરાને લલિતભાઈ વધારે ઊંડાણ થી સમૃદ્ધ કરે છે.

Scroll to Top