વીરુ પુરોહિત ~ કે મને & હજારો અળસિયાં * Veeru Puohit

‘કે મને પાણીની જેમ કોઈ સ્પર્શે!

આસપાસ દર્પણનો આભાસી તડકો
તું સૂરજના હોવાની ધારણા
લાગણીનું રણમાં ચણાતું મકાન
પારદર્શકતા સગપણનાં બારણાં
પડઘાતી દૂરતા નેવાંની ધારમાં
ધોધમાર રોજ કોઈ વરસે!
કે મને પાણીની જેમ કોઈ સ્પર્શે !

રોજ રોજ આંખ્યુંમાં મળવાનાં પંખીઓ
ઈચ્છાનું આભ લઇ આવતાં
આપણા સંબંધ સખી એવા કહેવાય જાણે
શીર્ષક વિનાની કોઈ વારતા
એકાદી આંગળીને બંસી બનાવી કોઈ
ફૂંકો તો ગોકુળ સળવળશે
કે મને પાણીની જેમ કોઈ સ્પર્શે !’

~ વીરૂ પુરોહિત

મુખડામાં એક જ પંક્તિ, ‘કે મને પાણીની જેમ કોઈ સ્પર્શે!’ રૂંવાડેથી છેક અંદર સુધી ઊતરી જાય એવું આ સ્પર્શનું સંવેદન, કેટલી સહજ રીતે બે પ્રેમીઓની વાર્તામાં વણાઈ ગયું છે!

એમ થાય કે ‘આવું તો આ કવિ જ લખી શકે’ એ કક્ષામાં મૂકી શકાય એવી અંતરાની આ પંક્તિ ‘રોજ રોજ આંખ્યુંમાં મળવાના પંખીઓ ઇચ્છાનું આભ લઈ આવતા….’ તો એના પછીની પંક્તિ ‘આપણાં સંબંધ સખી એવા કહેવાય જાણે શીર્ષક વિનાની કોઈ વારતા’ હૈયામાં એક મીઠ્ઠા સંબંધનો મહાસાગર ભરી દે !

સ્પર્શવિલાસ

હજારો અળસિયાં નીકળી જમીનથી જાણે,
ફૂલોની જાજમે આળોટી રહી સુખ માણે!
હતી લજામણી; પણ સ્પર્શસુખે ખૂલી’તી,
હું એ ઉન્માદી અવસ્થામાં ભાન ભૂલી’તી..
તેં મને જ્યારે પ્રથમ ચૂમી’તી!

નદીમાં છું અને મત્સ્યો કરે છે ગલગલિયાં,
કે મારી ભીતરે શિશુઓ કરે છે છબછબિયાં !?
ફરે છે બેઉ હથેળીનાં મૃદુ પોલાણે –
ફફડતું ચકલીનું બચ્ચું કે હૃદય; તું જાણે!
આવી અસમંજસે હું ઊભી’તી…
તેં મને જ્યારે પ્રથમ ચૂમી’તી!

મને તો થાય છે અંગૂરનાં ઝૂમખાં શી લચું;
કહે તો સ્પર્શ પર તારા, હું મહાકાવ્ય રચું !
‘કુમારસંભવમ્’ પેટારે પૂરી તાળું દે!
બધા ભૂલી જશે ‘વસંતવિલાસ’ ફાગુને!
હું એવા તોરમાં વળુંભી’તી…
તેં મને જ્યારે પ્રથમ ચૂમી’તી!

નથી વાળી શકાતું મનને બીજી કોઈ વાતે;
સ્મરું છું એ ક્ષણો હું જ્યારે મુગ્ધ એકાંતે –
ઊઠી રહી છે તારી મ્હેક મારાં અંગોથી,
‘ને સતત ભીતરે ઘેરૈયા રમે રંગોથી !
હું પછી ઉત્સવ બની ચૂકી’તી…
તેં મને જ્યારે પ્રથમ ચૂમી’તી!

વીરુ પુરોહિત

આ કવિતા વિશે માત્ર અનુભૂતિ હોય, અભિવ્યક્તિ નહીં.  

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

3 thoughts on “વીરુ પુરોહિત ~ કે મને & હજારો અળસિયાં * Veeru Puohit”

  1. ઉમેશ જોષી

    સ્પર્શની અનુભૂતિ જ હોય… વાહ સરસ રચના.

Scroll to Top