સુધીર દેસાઈ ~ બે કાવ્યો * Sudhir Desai

🥀🥀

મડદાંઓ તરી રહે
રાત્રીની કૂવા જેવી આંખોમાં.
વહી જતો પ્રવાહ સ્થિર થઈ જાય
એમ સામે સ્થિર થઈ જાય રાત્રી.

મૂળાક્ષરો જેવી આ મૃત આંખોમાં
છુપાયેલ અનેક દુનિયાઓ
ઉકેલી નથી શકતો હું એમને.
ક્યારેક પટપટાવી કોઈ આંખ
ઊભો કરે ભ્રમ.
થંભી જાય મારો શ્વાસ
ને દોડી જાઉં અંદર.

અરીસામાં જોઉં
કૂવા જેવી મારી આંખો
ને એમાં તરી રહેલ મડદાંઓ
હું થઈ જાઉં
સ્થિર.

~ સુધીર દેસાઈ (15.2.1934 )

મુંબઈના આ કવિના કાવ્યસંગ્રહો છે

1. આકાંક્ષા (1961)

2. ‘લોહીને કિનારે ઊગેલ વડ’ (1974)

3. ‘સૂર્યને તરતો મૂકું છું’ (1980) 

4. ‘કાગળ પર તિરાડો’ (1980)

5. એક આકાશમાંથી બીજા આકાશમાં (1991)

🥀🥀

જમીનમાંથી હાથ જોડીને જ બહાર આવે છે બી.
ધીમેધીમે નતમસ્તક થઈને
હાથ ફેલાવીને કરે છે પ્રાર્થના.
એક જ જગ્યાએ સ્થિર રહી
ઋષિની માફક કરે છે તપ.

તપ કરતાં કરતાં વીતે છે
એનો સમય.
એક પછી એક.
અને અચાનક પ્રગટી ઊઠે છે ફૂલ
એક દિવસ.
આખાયે વિશ્વને આવરી લે છે એની સુવાસથી
ઈશ્વરની જેમ.

આપણે આ ક્રમ હંમેશા જોઈએ છીએ.
જોઈએ છીએ
માત્ર જોઈએ છીએ
દૃષ્ટિ વિનાની આંખો હોય એમ.

~ સુધીર દેસાઈ (15.2.1934 )

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

6 thoughts on “સુધીર દેસાઈ ~ બે કાવ્યો * Sudhir Desai”

    1. આભાર છબીલભાઈ,
      – સંસ્કૃતિરાણી દેસાઈ

  1. વિચારબીજ મૂકીને કવિ ખસી જાય છે. અભિનંદન.

    1. આભાર મિનળબહેન, તમારા અભિનંદન માટે…..

      સંસ્કૃતિરાણી દેસાઈ

Scroll to Top