સુરેશ દલાલ ~ કમાલ કરે છે Suresh Dalal

કમાલ કરે છે, કમાલ કરે છે,
એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે.

ડોસો જાગે ત્યારે ચશ્માં આપે અને બ્રશ ઉપર પેસ્ટને લગાડે,
લોકોનું કહેવું છે કે ડોસી તો આમ કરી ડોસાને શાને બગાડે ?
મસાલા ચા અને ગરમ ગરમ નાસ્તો, ડોસી ડોસાનો કેવો ખ્યાલ કરે છે !

નિયમ પ્રમાણે દવા આપે છે રોજ અને રાખે છે ઝીણું ઝીણું ધ્યાન,
બન્નેનો સંબંધ તો એવો રહ્યો છે જાણે તલવાર અને મ્યાન.
દરમ્યાનમાં બન્ને જણ મૂંગાં મૂંગાં એકમેકને તો એવાં ન્યાલ કરે છે.

કાનમાં આપે એ એવાં ઈન્જેકશન કે સિગરેટ શરાબ હવે છોડો,
ડોસો તો પોતાના તાનમાં જીવે કયારેક વહેલો આવે કે ક્યારેક મોડો.
બન્નેની વચ્ચે વહે આછું સંગીત પણ બહારથી ધાંધલધમાલ કરે છે.

ડોસો વાંચે અને ડોસીને મોતિયો બન્ને જણ વચ્ચે આવો છે પ્રેમ,
લડે છે, ઝગડે છે, હસે છે, રડે છે, જીવન તો જળની જેમ વહેતું જાય એમ.
દોસ્ત જેવી દીકરીની હાજરીમાં બન્ને જણ ઘરની દિવાલને ગુલાલ કરે છે.

– સુરેશ દલાલ

આ ગીત તો બસ કમાલ કરે છે…. કવિ સુરેશ દલાલના આ ગીત પછી આવા મિજાજના બીજા ગીતો લખાયા, ખુદ આ કવિએ પણ લખ્યા પરંતુ આ ગીત સૌમાં શિરતાજ રહેશે…. યુવાનીમાં ધાંધલ-ધમાલ ભલે કરી હોય, વૃદ્ધાવસ્થાએ તો આવી જ કમાલની મજા ! ને જેઓ આવી મજા જીવે એ જ પોતાના રાજજા !

8.8.21

***

વારિજ લુહાર

08-08-2021

સુરેશ દલાલ ની ખૂબ જાણીતી રચના માણવા મળી..

છબીલભાઈ ત્રિવેદી

08-08-2021

આજના કાવ્યવિશ્ર્વ નુ કાવ્ય ખુબજ સરસ સુરેશ દલાલ સાહેબ નુ આ કાવ્ય તો ખુબજ જાણીતુ છે પ્રેમ તો અંતર ની ઉર્મિ છે તેને ઉમર ના કોઈ બંધન નડતા નથી ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top