સ્વામી વિવેકાનંદના કાવ્યો ~ શિશિર રામાવત

🥀 🥀

સ્વામી વિવેકાનંદના કાવ્યસંગ્રહનું નામ ઇન સર્ચ ઓફ ગોડ. એમણે અંગ્રેજી ઉપરાંત કેટલાંક કાવ્યો બંગાળીમાં તેમ કેટલાંક સંસ્કૃતમાં લખ્યાં છે.

કવિ વિવેકાનંદ ~ જાગ, ઊઠ તું, પડી રહે ના માત્ર સ્વપ્નમાં….

સ્વામી વિવેકાનંદ એક સર્જક પણ હતા. તેમણે રચેલી કવિતાઓ પર આપણું ધ્યાન ઓછું ગયું છે. એમનાં સત્યો, એમના તથ્યો અને એમની આશા-નિરાશા આ કાવ્યોમાં સરસ ઝિલાઈ છે

સ્વામી વિવેકાનંદને અમરત્વનું વરદાન મળ્યું હોત તો ગઈ કાલે આપણે તેમનો ૧૬૧મો હેપી બર્થ ડે સેલિબ્રેટ કર્યો હોત. સ્વામીજીની આવરદા તો ખેર, બહુ જ ટૂંકી પૂરવાર થઈ. ૩૯ વર્ષની વયે તેમનું મૃત્યુ થઈ ગયું (જન્મઃ ૧૨-૧-૧૮૬૩, મૃત્યુઃ ૪-૭-૧૯૦૨). આટલાં ઓછાં વરસોમાં પણ તેઓ કેટલું ભરપૂર, કેટલું સાર્થક જીવન જીવી ગયા! સ્વામીજીના ભાષણો અને લેખોથી આપણે સારી રીતે પરિચિત છીએ, પણ એમની કવિતાઓ તરફ આપણું ધ્યાન ખાસ જતું નથી. આજે સ્વામીજીએ રચેલાં કેટલાંક કાવ્યોની વાત કરવી છે.   

સ્વામી વિવેકાનંદ ચોથી સપ્ટેમ્બર, ૧૮૯૩ના રોજ જ્હોન હેનરી નામના એક પ્રોફેસરને એક પત્ર લખ્યો હતો. શિકાગોમાં યોજાયેલી પેલી અતિ પ્રસિદ્ધ વિશ્વ સર્વધર્મપરિષદમાં સ્વામીજીએ ભાગ લીધો હતો ત્યારે પ્રોફેસર હેનરીએ પરિષદના અધ્યક્ષ જોગ એક ઓળખપત્ર, કહો કે, ભલામણપત્ર લખી આપ્યો હતો. તે બદલ વિવેકાનંદે તેમનો આભાર માનતો એક પત્ર લખ્યો ને એમાં ‘ઇન સર્ચ ઓફ ગોડ’ નામની સ્વરચિત અંગ્રેજી કવિતા પણ ટાંકી. વિવેકાનંદે લખ્યું કે, ‘અહીં થોડી પંક્તિઓ લખીને કાવ્યલેખનનો પ્રયત્ન કર્યો છે. આશા છે કે આપનો પ્રેમ આ અત્યાચારને ક્ષમ્ય ગણશે.’

સ્વામી વિવેકાનંદ પોતાના કાવ્યલેખનને અત્યાચાર ગણાવે છે! આ રહી મૂળ અંગ્રેજી કવિતાના કેટલા ભાષાંતરિત અંશઃ

પ્હાડ, કંદરા, ગિરિમાળામાં,
મંદિર, મસ્જિદ, ગિરજાઘરમાં,
વેદ, કુરાન, બાઇબલમાં-
સઘળે તુજને શોધ્યો, ભગવન્!
મહેનત માથે પડી.
અડાબીડ અટવીમાં જાણે
અટવાયો બાળક શો હું ત્યાં
હૈયાફાટ રડયો છું ત્યારે
એકલવાયો રડવડતો-
રહ્યો પુકારીઃ ‘પ્રેમલ પરભુ!
અરે, ક્યહીં તું ગયો?’
અને નીરવમાં પડઘો સામે
ઉત્તર આપેઃ ‘ગયો!’

કવિતા વહેતી જાય છે. પ્રભુની શોધમાં વેદના અને વ્યાકુળતાના જંગલમાંથી પસાર થયા પછી જાણે કશોક ઉઘાડ થાય છે અને સ્વામી વિવેકાનંદ આ જ કવિતામાં આગળ લખે છેઃ

પછી એકદા ક્રન્દન વીંધી લાગ્યું જાણે
મુજને કોઈ પુકારે,
સૌમ્ય-સુકોમળ સાદ શાન્તિનો
વત્સ’ કહીને સંબોધે!
ઊઠું સફાળો મથું શોધવા
એ સાદ આવતો ક્યાંથી
આગે, પીછે – આસપાસમાં ન્યાળું
શોધું – ગોત કરું,
ફરી સુણાતો, વળી આવતો
દિવ્યનાદ તે મારી કોર,
અને પછી મમ આત્મા કેવો
પરમાનંદે પુલકિત થાતો
ભાવાવેશે મગ્ન બનીને
દિવ્ય મૌનમાં મ્હાલી રહેતો!
પલભર મારા આત્માગારે
તેજ-પુંજ પથરાયો છલબલ,
દ્વાર ઊઘડયાં હૃદયગુહાના
શો આનંદ છવાયો છલમલ!
ધન્ય! ધન્ય! આ કૌતુક કેવું
થયું અનોખું આજે,
મનભાવન! તું અહીં અહીં
મુજ અંતરમાં જ વિરાજે…

ઈશ્વર બીજે ક્યાંય નથી, તે આપણી ભીતર જ છે તે સત્ય સ્વામી વિવેકાનંદે અહીં સુંદર રીતે મૂકી આપ્યું છે. મૂળ અંગ્રેજી કવિતાનું સરસ ગુજરાતીકરણ થયું છે અહીં! ‘વિવેકાનંદનાં કાવ્યો’ નામની નાનકડી પુસ્તિકામાં કવિતાના ગુજરાતી અનુવાદક વિશે સ્પષ્ટ વિગતો મળતી નથી. હા, અમુક કાવ્યો પ્રોફેસર ભાનુપ્રસાદ પંડયાએ અનુદિત કર્યા છે તેવો ઉલ્લેખ છે ખરો 

બીજી કવિતાનું શીર્ષક છે, ‘ધ સોંગ ઓફ ધ ફ્રી’ એટલે કે ‘મુક્તાત્માનું ગાન’. આ કવિતા પાછળની કથા પણ રસપ્રદ છે. સ્વામીજીએ ૧૫ ફેબ્રુઆરી ૧૮૯૫ના રોજ ન્યુયોર્કથી મિસ મેરી હેઇલ નામની માનુનીને આ કાવ્ય લખી મોકલ્યું હતું. મેરી હેઇલે વિવેકાનંદને સલાહ આપેલી કે સ્વામીજી, તમે સંન્યાસી છો એ બરાબર છે, પણ તમે તમારાં પ્રવચનોમાં, તમારી વાતચીતમાં તમે સંન્યાસી હોવા વિશે આટલા બધા ઉગ્ર કેમ થઈ જાઓ છો? તમે આકરા થઈને લોકોને વઢવા લાગો છો એટલે તેઓ દુભાઈ જાય છે, તો પ્લીઝ, જરા સૌમ્યતા ધારણ કરો. તો શું સ્વામી વિવેકાનંદે મેરી હેઇલના અભિપ્રાયને ગણનામાં લીધો ને લોકો સાથેના વ્યવહારમાં ગુસ્સાની માત્રા ઘટાડી? ના રે ના. મેરી હેઇલને તેથી માઠું લાગી ગયું. તેમને લાગ્યું કે સ્વામીજીની હિતચિંતક છું તોય તેઓ મારૂં કંઈ સાંભળતા નથી. તેમને મનાવવા માટે સ્વામીજીએ આ ‘ધ સોંગ ઓફ ધ ફ્રી’ લખ્યું ને મેરીને મોકલી આપ્યું. આ કવિતામાં પણ પોતાની સંન્યાસી હોવાની સ્થિતિને એમણે નવેસરથી ઘૂંટી જ છે. આ રહ્યો કવિતાના કેટલાક અંશનો છંદોબદ્ધ અનુવાદઃ   

ઘૂવાંપૂવાં કુદરત કચડવા સજ્જ તને
ભલે હોય, તોય જાણ, આતમ હે મારા તું-
દિવ્ય! કૂચ આગળ ને અવિરામ કર્યે જા
જમણું કે ડાબું જો મા, લક્ષ્ય પ્રતિ ધપ્યે જા!
દેવદૂત નહીં હું – માનવ કે પશુ નહીં
શરીર કે મન અને નર કે ના નારી વળી
મોટા મોટા ગ્રંથમણિ અચંબાથી રહ્યા ચૂપ
મારું ન સ્વરૂપ કળે – હું તો પરિબ્રહ્મ છું.
સૂરજ ને સોમ તથા પૃથિવીની પણ પહેલાં
તારા અને ધૂમકેતુ છૂટ્ટા ફરે તેની પહેલાં
અરે, અહીં સમય આ અવતર્યો તેની પહેલાં –
હતો, હું હજી છું અને પછી હોઈશ હું!

આ પંક્તિ વાંચીને ઋગ્વેદના નારદીય સુક્ત પર આધારિત હિન્દી પંક્તિ ‘સૃષ્ટિ સે પહલે સત નહીં થા, અસત ભી નહીં’ યાદ આવી ગઈને? આગળ વાંચો-

દ્વય નહીં, અનેક ના, હું તો અહીં એક
સરવના ‘હું’ને ‘હું’માં સમાવતો એકોહમ્
ધિક્કારું ના, મારા થકી અળગો ના મુજને
કરી શકું, કેવળ હું અહીં શકું – ચાહી રહું!
સ્વપ્નથી જાગ, થા તું બંધનથી મુક્ત
ભીતિ નહીં પામ આ તો લાગે અતિ ગૂઢ
મારી જ છાયા કદી ડરાવી ના શકે મને
આખર તું જાણી લે કે હું તો સ્વયં બ્રહ્મ. 

અદ્વૈત આશ્રમ દ્વારા છેક ૧૮૯૬થી આજ સુધી પ્રસિદ્ધ થઈ રહેલા ‘પ્રબુદ્ધ ભારત’ માસિક પ્રત્યે સ્વામી વિવેકાનંદને વિશેષ પ્રીતિ હતી. અગાઉ આ સામયિકની ઓફિસ મદ્રાસ (આજના ચેન્નાઈ)માં હતી, પછી તેને ઉત્તરાખંડ સ્થિત આલ્મોડામાં ખસેડવામાં આવી. સ્વામી સ્વરૂપાનંદ તેના નવા એડિટર બનવાના હતા. એમના તંત્રીપદ હેઠળ પ્રગટ થનારા પહેલા અંક માટે સ્વામી વિવેકાનંદ બહુ ઉત્સાહિત હતા. ભગિની નિવેદિતાએ એક જગ્યાએ લખ્યું છે કે જૂન ૧૮૯૮માં તેઓ કાશ્મીરમાં હતા. એક બપોરે બધાં ભેગાં થઈને બેઠાં હતાં ત્યારે સ્વામી વિવેકાનંદ એક પાનું લઈને આવ્યા. સ્વામીજીએ કહ્યુંઃ હું તો બેઠો હતો પત્ર લખવા, પણ લખાઈ ગઈ કવિતા! આ કવિતા એટલે ‘ટુ ધ અવેકન્ડ ઇન્ડિયા’ (પ્રબુદ્ધ ભારતને)

જાગો, પુનરપિ!
નિદ્રામાં તું હતી, હતી ના મૃત્યુ વિશે તું,
થાક્યાં તારાં કમલનયનને વિરામ દેતી,
જાગ, ઊઠ તું,
પડી રહે ના માત્ર સ્વપ્નમાં!
સ્વપ્ન સેવનારી ધરતી આ કર્મભૂમિ છે,
કર્મ અહીં ગૂંથે છે માલા સૂત્ર વિનાની.
નિર્ભય થા,
ને, સત્યની આંખે મેળવ આંખો!
મિથ્યાં સ્વપ્નાં છોડ નકામાં,
ને, ન બને તો
સત્યોન્નત શમણાં જ સેવ તું
પ્રેમ નિરંતર તણાં પરમ
નિષ્કામ કર્મનાં. 

આવી ઉર્જાવાન કવિતા લખનાર સ્વામી વિવેકાનંદ જેવાં  સાવ જ ઢીલા પડી શકે ખરે? હા, પડી શકે. સ્વામી વિવેકાનંદને આપણે આજે ઊંચાં સ્થાને બેસાડયા છે, પણ તેઓ હયાત હતા ત્યારે એમની ઇર્ષ્યા કરવામાં, એમને બદનામ કરવામાં, સહકાર આપવાને બદલે તેમના માર્ગમાં રોડાં નાખવામાં ભારતના જ વગદાર લોકોએ કોઈ કસર છોડી નહોતી. વિવેકાનંદ આખરે તો માણસ છે. અવસાદની ક્ષણોમાંથી તેઓ પણ પસાર થઈ જ શકે છે. વેદ-ઉપનિષદ-સનાતન ધર્મના પ્રચાર-પ્રસારના કાર્યને ધપાવવા માટે તેમને નાણાંની સખત જરૂર રહેતી, પણ તેમણે સતત નાણાભીડનો સામનો કરવો પડતો. ૧૬ માર્ચ, ૧૮૯૫ના રોજ, એટલે કે  મૃત્યુના આઠ વર્ષ પહેલાં, ૩૨ વર્ષના સ્વામી વિવેકાનંદ ન્યુ યોર્કથી એક પત્ર લખે છે, જેમાં તેઓ ‘માય પ્લે ઇઝ ડન’ (મારો ખેલ થયો છે પૂરો) નામની પોતાની કવિતા ટાંકે છે. વાંચીને હલી જવાય એવી કવિતા છે આઃ

થાકી ગયો નાટક આ અનંતથી
આ નાટકો તો મુજને દિયે રતિ,
સદાયની દોડ, ન પહોંચવું કદી
સામે કિનારે ડગ પહોંચતું નથી…
કઈ જિંદગીથી રહું વાટ ન્યાળી,
કમાડ કેરું ખૂલતું ન તાળું,
ઝાંખી બની આંખડી ન્યાળી ન્યાળી
ઝંખી સદા જ્યોત જરી ન ભાળી…
મને લઈ જા જનની! તટો પરે
મથામણો કારમી સૌ જહીં ઠરે
સૌ વેદનાથી, સહુ અશ્રુથી પર
પૃથ્વી સુખોનો પહુંચે ન જ્યાં કર…
માયાવી આ સ્વપ્ન તણો ફરી કદી
પર્દો ન ઢાંકો તુજ મા ચહેરે,
પૂરો થયો છે મુજ ખેલ માતા!
દે મુક્તિ આ બંધનમાંથી ત્રાતા!

જો સ્વામી વિવેકાનંદ જેવો માણસ પણ નિરાશ થઈ શકતો હોય તો આપણી શી વિસાત? પણ આપણે શીખવાનું એ છે કે નિરાશાનું ધુમ્મસ વિખરાય તેની રાહ જોયા વિના આપણે પણ સ્વામી વિવેકાનંદની જેમ પોતાના સાર્થક કાર્યમાં મચ્યા રહેવાનું છે…

~ શિશિર રામાવત (વાત-વિચાર – ગુજરાત સમાચાર)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

3 thoughts on “સ્વામી વિવેકાનંદના કાવ્યો ~ શિશિર રામાવત”

  1. ઉમેશ જોષી

    રચનાઓ ભાવજગતને સ્પર્શી જાય છે ્્્

Scroll to Top