ગણી બતાવ
ગણવું જ કાંઈ હોય તો થડકા ગણી બતાવ
તેં ફેરવેલા શ્વાસના મણકા ગણી બતાવ
દુષ્કાળના માઠાં વરસમાં આંગણે મૂકી,
ઊડી ગયેલ પંખીનાં પગલાં ગણી બતાવ
વહેલી સવારે ખીણમાં ફેંકે અવાજ તું,
ને એ પછી તૂટી જતા પડઘા ગણી બતાવ.
તલવાર જેવો છે સમય, લાચાર તું હવે,
ભાંગી પડેલ જીવના સણકા ગણી બતાવ.
એકાદ બે કે પાંચ – પચ્ચીસ કે વધુ હશે,
તારા વિષેની તું બધી અફવા ગણી બતાવ.
વાતો કરી છે જાત સાથે એમ તો ‘હરીશ’
રાખ્યા છે કિંતુ કેટલા પડદા? ગણી બતાવ.
~ હરિશ્ચંદ્ર જોશી
માણસ હોંશિયારીમાંથી ઊંચો નથી આવતો. પોતાની બુદ્ધિના અભિમાનમાં રાચ્યા કરવાનું જ એને ગમે છે ત્યારે કવિ એને સવાલ જ નથી પૂછતા, પડકાર પણ ફેંકે છે. બોલ, આ તું કરી શકીશ? તારા હૃદયના તડકા કે શ્વાસના મણકા તું ગણી શકીશ ? પંખીના પગલાં કે ખીણમાં તૂટી પડેલા પડઘા ગણી શકીશ ? કવિ માત્ર બીજાને જ પૂછે છે એવું નથી, એ પોતાની જાતનેય પ્રમાણિકતાથી પડકાર ફેંકે છે, અરે જીવ, તું ક્યાં ક્યાં અંદર-બહાર અલગ રહ્યો છે ? કેટલા પડદા પોતાની જાત સાથે કે અન્યો સાથે રાખ્યા છે ? આ સવાલ દરેકે પોતાને પૂછવા જેવો ખરો ! જો કે પોતાનેય ઇનો સાચો જવાબ મળવો મુશ્કેલ ! આપણે જાતને એટલું છેતરતા શીખી ગયા છીએ.
કરો સહી
કરો સહી કાગળ પર સાંયા,
ચિંતા સઘળી ખરી જાય કે
શું થાશે આગળ પર ?
વાંકા-ચૂંકા વ્યવહારે હું
ડાઘ ડાઘ ચીતરાયો,
સરનામાંના જંગલ વચ્ચે
સાવ પછી અટવાયો;
સાચો તમે ઉકેલો,
આંસુ ઊંચકી લઈ આંગળ પર…
પસ્તીના કટકા શો ઊડતો
રહ્યો શોધવા મૂળને,
તમે જ સાંધો જનમનાળ
ને ચીંધો મારા કુળને;
તાળું ખોલો ફૂલ જેમ
આ જીવતરની સાંકળ પર…
કરચલિયાળો જીવ, વળી
ડૂસકાં-ડૂમાનો ભેજ,
ખૂણેખૂણો ઝળહળ થાશે
અક્ષર પડતાં બે જ;
એક જ પળમાં વસંત
સાતે સાત વસે બાવળ પર…
~ હરિશ્ચંદ્ર જોશી
‘સાચો તમે ઉકેલો, આંસુ ઊંચકી લઈ આંગળ પર…’ આહા…. કોઈ આંગળ પર આંસુ ઊંચકી લે એની પાસે તો ગૂંચવાયેલા જીવતરનો તારેતાર ઉકેલાઈ જાય…..

Pingback: 🍀7 જુલાઇ અંક 3-1205🍀 - Kavyavishva.com
ગણી બતાવ is what you have put in your samixa Dhanyvad
thank you.
વાહ હરિશભાઈ ની બન્ને રચનાઓ ખુબ ગમી એમાય ગણી બતાવ….આસ્વાદ પણ ખુબજ ઉમદા અભિનંદન કાવ્ય વિશ્વ
આભારી છું.
કવિ ની બંને રચનાઓ માણવાની મજા પડી. માણસને પોતાની સારપ, કે ખરાબ કામની ગણતરી તો હોવી જ જોઈએ.
બન્ને રચના ખૂબ ખૂબ સરસ.
બંને રચનાઓ જીવનાતીત શકિત સાથેના સર્વકાલીન સંબંધ તથા શ્રદ્ધાદીપના ઉજાસથી પ્રકાશિત છે.