હરિશ્ચંદ્ર જોશી ~ તું તો સમરથ * Harishchandra Joshi

🥀 🥀

તું તો સમરથ, હું ભાયગથી રાંક
સાંયા રે ! મારો કિયો ગુનો, કિયો વાંક ?

ખાંગા થઇ વરસે છે બારે ગગન
એની વાંછટ જીવને ન અડકે
ઊકળતા દિ’ અને બળબળતી રાત
મારી ખોબા શી છાતીમાં ખળકે
દઈ મારગ કંઈ દીધા વળાંક..

જીવતર દીધું દઇને શ્વાસોનું પિંજરું
વેરીને સપનાનું ચણ
ચીતરેલી બારીમાં મૂક્યું આકાશ
દીધું ઊડવું દઈ પાંખોમાં વ્રણ
મને વ્હાલપના રેશમથી ઢાંક…  

~ હરિશ્ચંદ્ર જોશી

કવિના આ ગીતમાં હૃદય ખોઇ ચૂકેલી સ્ત્રીની વાત છે. લાગે છે તો એ કોઇ સામાન્ય સ્ત્રી પણ એ રાધા હોઇ શકે ! આખા ગીતમાં આંદોલનો એવાં મળે છે. એ ખરું કે અહીં રાધા-કૃષ્ણનો કોઇ સ્પષ્ટ નિર્દેશ નથી બાકી આ નામે આપણે ત્યાં અનેક સુંદર પ્રણય કાવ્યો રચાયાં છે.

નાયિકાએ સાંયા કહીને સાજનને સંબોધ્યો છે. કહે છે, સાંયા, તું સમર્થ છે, બળવાન છે ને હું તો ભાગ્યથી રાંક !! તું બળિયો ને હું નસીબની નબળી પણ એટલું તો કહે કે મારો શું ગુનો છે, વાંક છે કે તું મને આટલી તાવે છે ? મારી અગ્નિ પરીક્ષા લે છે !

મેઘ મૂશળધારે ત્રાટક્યો છે. આકાશ ખાંગુ થઇને વરસી પડ્યું છે તો યે એની વાંછટ પણ જીવને અડતી નથી. કોઇ શાતા, કોઇ ટાઢક મનને મળતી નથી. દિવસ ને રાત ભડકે બળે છે, તારા વગર. મારી ખોબા શી છાતીમાં, આ મુઠ્ઠીભર હૃદયમાં આકરી આગ ને આગ જ ભરી છે. તેં મને કેવા કેવા વળાંકોમાં અટવાવી દીધી છે ?

સાંયા, મને તું મળ્યો ને જીવન મળ્યું. આ શ્વાસોના પિંજરમાં તેં સપનાનું ચણ વેરી દીધું. મારે સપનાં જ જોયા રાખવા ? એનાથી મન કેમ ધરાય ? તું મળતો નથી ને મારું મન ખુલતું નથી. બારી ખરી પણ ચીતરેલી ને એમાંથી ટપકતું ચપટીક આકાશ… મને પ્રેમ કરીને તેં જાણે પાંખો પહેરાવી દીધી પણ એમાં લાગેલા આ વિરહના વ્રણ કેમ ભરાશે ? આ જુદાઇના દુખ કેમ સહેવાશે ? તું આવ. મને મળ. માત્ર મળવાનું જ નહીં, હું તને ઝંખુ છું. પાસે, સાવ પાસે આવ. રેશમ જેવું વ્હાલ મારા પર તન-મન પર વીંટી દે, મને એનાથી ઢાંકી દે સાંયા…

પ્રિયતમ કાજ તડપતી વિરહી નારીની ઉત્કૃષ્ટ મિલન ઝંખના અહીં ભાવકને સ્પર્શી જાય એવી સબળતાથી વ્યક્ત થઇ છે. મને સુમિત્રાનંદન પંત યાદ આવે છે.વિયોગી હોગા પહલા કવિ, આહ સે ઉપજા હોગા ગાન ; ઉમડકર આંખો સે ચુપચાપ, બહી હોગી કવિતા અનજાન…”

દિવ્ય ભાસ્કર @ કાવ્યસેતુ 112 @ 12 નવેમ્બર 2013    

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

6 thoughts on “હરિશ્ચંદ્ર જોશી ~ તું તો સમરથ * Harishchandra Joshi”

  1. ઉમેશ જોષી

    ઉત્તમ રચના ્્્ વિસ્તૃત આસ્વાદ…

Scroll to Top