હર્ષદ દવે ~ તડકો

*તડકો*

તડકો કાચ તોડી નાખે એવો

લાલ-લીલું-ભૂરું વિખરાય

રેતવરણાં ઉજાગરા દેખાય

ગત જન્મના વેરી રસ્તાઓ

છતી આંખે

શરીરની આરપાર પ્રસરી જાય

ધમની-શિરાઓ તડાક તૂટે

ઢગલો કરી ઢાળી દે આખ્ખે આખા

ગરમાળાનું બી મોતીયો બની ઝૂરે

ગુલમ્હોરની પાંદડીને સ્પર્શવા.

પુષ્પનો પમરાટ

રંગબેરંગી તેજ-છાયા

પ્રવાહીની શીતળતા

વાતાનુકૂલિત વૃક્ષોનું કવચ

તો પણ

ઢાલ તોડી નાખે

તડકો કાચ તોડી નાખે. – હર્ષદ દવે

‘તડકો’ શીર્ષક આપી કવિનું આ અછાંદસ આપણી પાસે આવે છે. શીર્ષક વાંચતાં એ પ્રકૃતિકાવ્ય હોવાનું અનુમાન બંધાય પણ એમાં તો એક સંવેદનશીલ માનવીની પીડા અભરે ભરી છે, ઢગલો કરીને ઢાળી દે એવી તીવ્રતાથી. તડકો ‘દર્દ’ના પર્યાય રૂપે લેખાયો છે, કવિતાઓમાં રજૂ પણ થયો છે પરંતુ દર્દને આ રીતે તડકા સાથે જોડવાની વાત, આ રજૂઆત જરા હટકે છે અને સ્પર્શી જાય એવી છે.

પોતાની સર્જનપ્રક્રિયા વિશે કવિની વાત, ‘મહદઅંશે સર્જકમનની ભીતર એટલા પ્રવાહો વહેતા હોય છે કે એ પ્રવાહને એકસાથે ખાળવાનું મુશ્કેલ હોય છે. જે રૂપે વ્યક્ત થવું હોય એ હજુ ગુપ્ત જ રહે અથવા તો લુપ્ત થઈ જાય અને ધારણા બહારની પંક્તિઓ આવીને તે વિશે કવિતા કરવા ઉશ્કેરે ! આમ અનેક કવિતાઓના સર્જન પછી પણ સાચા સર્જકને અસંતોષ રહેતો હોય છે.’

સામાન્ય રીતે અછાંદસ ઓછાં લખાય છે, અને જેઓ લખે છે એમાં સ્ત્રીઓ જ વધારે છે. આ કવિને એક અછાંદસપ્રેમી તરીકે વાંચવાનો વધારે આનંદ આવ્યો. અભિનંદન કવિ.

24.9.21

***

લલિત ત્રિવેદી

24-09-2021

સરસ અવલોકન

લલિત ત્રિવેદી

24-09-2021

વાહ વાહ… સરસ કાવ્ય

Harshad Dave

24-09-2021

મારી ‘તડકો’ કવિતાનો રસપૂર્વક કરાવેલો આસ્વાદ.
લતાબેન, આપનો હ્રદયપૂર્વક આભાર સહ અભિનંદન

Varij Luhar

24-09-2021

વાહ… હર્ષદ દવે નું ખૂબ સરસ કાવ્ય માણવા મળ્યું

છબીલભાઈ ત્રિવેદી

24-09-2021

આજનુ હર્ષદ દવે સાહેબ નુ અછાંદશ કાવ્ય ખુબજ ગમ્યું તડકો તો જીવન આધાર છે કવિ શ્રી ની બધી વાત ખુબજ મજા ની છે આવા જુદા જુદા કાવ્યો દ્નારા કાવ્યવિશ્ર્વ ઉઘાડ પામતુ જાયછે નિખરતુ જાયછે કવિ શ્રી ને અભિનંદન આભાર લતાબેન

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top