અકબરઅલી જસદણવાળા ~ મનોરંજન કરી લઉં છું

મનોરંજન કરી લઉં છું, મનોમંથન કરી લઉં છું
પ્રસંગોપાત જીવનમાં પરિવર્તન કરી લઉં છું.

સમજપૂર્વક સમષ્ટિનું સમાલોચન કરી લઉં છું
જીવનને હું વલોવી આત્મસંશોધન કરી લઉં છું.

મનોબળથી મનોવૃત્તિ ઉપર શાસન કરી લઉં છું
નયન નિર્મળ કરીને રૂપના દર્શન કરી લઉં છું.

નિરંતર શ્વાસ પર જીવનનું અવલંબન નથી હોતું
બહુધા હું હૃદયમાં એક આંદોલન કરી લઉં છું.

અમે પાગલ, અમારે ભેદ શો ચેતન-અચેતનમાં
પ્રતિમા હો કે હો પડછાયો હું આલિંગન કરી લઉં છું.

સમય ક્યારે વિસામો ખાય છે ‘અકબર’ના જીવનમાં?
વિસર્જન થાય છે નિત્, નિત્ નવું સર્જન કરી લઉં છું.

~ અકબરઅલી જસદણવાલા (10.1.1910 – 21.4.1996)

કવિની પૂણ્યસ્મૃતિએ વંદન

કવિનો કાવ્યસંગ્રહ ‘હૃદયના રંગની વાતો’ 1985

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

1 thought on “અકબરઅલી જસદણવાળા ~ મનોરંજન કરી લઉં છું”

Scroll to Top