‘અગમ’ પાલનપુરી ~ કોણ અજવાળું અડે & શબ્દ ભીતર * Agam Palanpuri

મારા વડે

કોણ અજવાળું અડે આ પડછાયો પડે?
છું સ્વયમ્ પ્રાકટ્યમાં તો કોણ આ મારા વડે?

દૃષ્ટિ થાકી, લોથ થઈ આવી ભલે ચરણે પડે;
ક્યાં કદી આનંત્ય-પથનો વેગળે છેડો જડે?

કોણ ચાવી? કોણ તાળું? કોણ શું આપસ મહીં?
હું ઉઘાડું જ્યાં મને; શી વાત છે તું ઊઘડે ?

આંખ મીંચીનેય તુજથી પ્રેમ-સંલગ્ને રહું;
દૃશ્ય પેલે પાર શું, અદૃશ્યમાં પણ તું જડે!

બુંદ પણ મુજ સ્નેહ નિત સર્વસ્વ તુજ સાગર ભણી;
હોય તું ‘પાણી…જ પાણી’…કાં’ ન પાણી પરવડે?

~અગમ’ પાલનપુરી

‘અગમ’ તખલ્લુસ રાખનાર કવિને અગમની શોધ હોય એ સમજી શકાય એવી વાત છે. દૃશ્ય અને અદૃશ્યમાં એને જ દેખનાર ખરો ભાળનારો છે. બાકી સર્વે, ‘દેખણહારા દાઝે જો…’  

અગમ અવતાર છે

શબ્દ ભીતર પ્રાણનો સંચાર છે;
હર ગઝલ મારો અગમ અવતાર છે.

એટલે નિત શેર શ્વસતો હોઉં છું,
શ્વાસ મુજ અસ્તિત્વનો આધાર છે!

ના લખું તે હાથ છો તૂટી પડે;
જ્યાં ખતા છે ત્યાં સજા હકદાર છે!

મૃત્યુની પણ હું કરી નાખું ગઝલ;
ક્ષણ સતત… કાગળ-કલમ તૈયાર છે.

છું ‘અગમ’ તો શું થયું; મારા વિશે
શાયરી પોતે પરખનો પાર છે!

~ અગમ’ પાલનપુરી

‘કાગળ-કલમ તૈયાર છે’ લખનાર અગમ કવિને ગઝલની ઊંડાઈ માપવી છે…. અગમનો પાર પામવો છે….

જન્મદિને કવિને વંદન.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

2 thoughts on “‘અગમ’ પાલનપુરી ~ કોણ અજવાળું અડે & શબ્દ ભીતર * Agam Palanpuri”

Scroll to Top