મજાનાં શેર
રફતા રફતા ખત્મ કર દૂંગા અંધેરોં કા વુજૂદ
હર કદમ પર રોશની કી બાત કરતા જાઊંગા.***
ઐ જવાની ! કિતની ભટકી હૈ ગમોં કી ધૂપ મેં,
આઈના તો દેખ, તેરા રંગ કૈસા હો ગયા !***
મુંહ છુપા કર કિસલિયે તન્હાઈ મેં બૈઠા રહું,
મેં કોઈ કૈદી નહીં હૂં કૈદ સે ભાગા હુવા.***
સાદગી ઇતની ભી અચ્છી નહીં, નાદાં ન બનો;
પ્યાર કો પ્યાર, અદાવત કો અદાવત સમઝો.***
તુમ તો ઈક તાઝા ફસાના હો, તુમ્હારી ધૂમ હૈ,
મૈં પુરાની દાસ્તાં હૂં, કૌન સુનતા હૈ મુઝે.***
ઘર બના લે કિસી બહતે હુવે ઝરને કે કરીબ,
મૈં તો સૂખા હુવા દરિયા હૂં, મેરે પાસ ન આ.***
સૈકા પછી ચમકશે ગઝલો ‘અઝીઝ’ મારી
એળે નથી જવાની, શબ્દોની ચાકરી છે.***
~ અઝીઝ કાદરી (26.10.1933-9.10.2021)
ઉર્દૂ અને ગુજરાતી બંને ભાષામાં એકસરખા અધિકારથી કામ કરનારા આ કવિ. આખું નામ અબ્દુલઅઝીઝ અહમદમિયાં કાદરી. નઝમ, રુબાઈ, દુહા જેવા અનેક કાવ્યસ્વરૂપોમાં તેમણે સરસ કામ કર્યું. એમની ગઝલોમાં પ્રણયરંગ અને અધ્યાત્મ બંને સરસ રીતે વણાયેલા છે.
તેમના ગઝલસંગ્રહો 1. ઉપવન 2. કેડી 3. તરસ 4. સફર (ઉર્દૂ-હિન્દી) – ઉર્દૂ સાહિત્ય અકાદમી તરફથી પ્રથમ પારિતોષિક 5. નઇ કંદીલ (ઉર્દૂ)
ગૌરવ પુરસ્કાર 1993માં.
કવિના જન્મદિને સ્મરણવંદના
બોલવા લાગે
અબોલા લઈને બેઠા છે પરસ્પર બોલવા લાગે,
મિલન મજલિસો જામે ને બેઘર બોલવા લાગે.
સવાકો થાય અવાકો દેહ નશ્વર બોલવા લાગે,
તમે બોલો તો સાથોસાથ પથ્થર બોલવા લાગે.
તમારા રૂપની ચર્ચા શરૂ થઈ જાય તો ચોક્કસ,
ધરા બોલે, ગગન બોલે, ને સાગર બોલવા લાગે.
ગયું છે બાગમાં કોણ અશ્રુભીની આંખો લઈ,
મળે વાચા તો ફૂલો ડાળ ઉપર બોલવા લાગે.
કુવો જાગી ઉઠે પાણીનું હૈયું થનગની ઉઠે,
પરોઢે જ્યારે પનિહારીના ઝાંઝર બોલવા લાગે.
મિલન વેળાની મસ્તી જીભ પર આવી નથી શકતી,
નવોઢા ચુપ રહે ફૂલોની ચાદર બોલવા લાગે.
નજર પાસે જો સમૃદ્ધિની મૂડી હોય તો મિત્રો,
ઈમારત કેટલી સધ્ધર છે, ચણતર બોલવા લાગે.
સમજદારી વધે તો બોલવાની ટેવ છૂટે છે,
ખૂલે ના જીભ જેની એનું અંતર બોલવા લાગે.
‘અઝીઝે’ ક્યાં હજી બારાખડી પણ સાચી શીખી છે,
સભા વચ્ચે ભલા ક્યાંથી બરાબર બોલવા લાગે ?
~ અઝીઝ કાદરી

જનાબ અઝીઝ કાદરી સાથે એક વાર મળવાનું બન્યું છે, એમની ગઝલ રજૂ કરવાની અદાકારી હજી યાદ છે. શ્રધ્ધાંજલિ.