અદમ ટંકારવી ~ લઈને તમારું & યાદોનાં * Adam Tankarvi

🥀🥀

લઈને તમારું નામ, અમે ન્યાલ થઈ ગયા દ્વિધા મટી તમામ, અમે ન્યાલ થઈ ગયા.

શોધીને એક મુકામ, અમે ન્યાલ થઈ ગયા, છોડીને દોડધામ, અમે ન્યાલ થઈ ગયા.

ડહાપણને રામ રામ, અમે ન્યાલ થઈ ગયા, દીવાનગી સલામ ! અમે ન્યાલ થઈ ગયા.

યુગયુગની તરસનો હવે અંત આવશે, તેઓ ધરે છે જામ, અમે ન્યાલ થઈ ગયા.

છેવટનાં બંધનોથીય મુક્તિ મળી ગઈ, ના કોઈ નામઠામ, અમે ન્યાલ થઈ ગયા.

છે ઓર સાદગીમાં હવે ઠાઠ આપણો, ત્યાગીને સૌ દમામ, અમે ન્યાલ થઈ ગયા.

સોંપી હવે તો દિલની મતા એમને અદમ, માંગી લીધો વિરામ, અમે ન્યાલ થઈ ગયા.

~ ‘અદમ‘ ટંકારવી

યાદોનાં પરફ્યુમ્સ ઊડે છે,
ડનલોપી સપનાં આવે છે.

તારી ગલીના લૅમ્પપોસ્ટ પર,
સાઠ વૉલ્ટનું ફૂલ ખીલે છે.

આજકાલ તો તારા બદલે,
નેઈમપ્લેટ ઉત્તર દઈ દે છે.

પ્રેમપત્ર પૂરો થઈ જાતાં,
ટાઈપરાઈટર આહ ભરે છે.

તારા શહેરની રોનક કેવી,
સઘળી ટ્રેનો ત્યાં થોભે છે.

~ અદમ ટંકારવી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

6 thoughts on “અદમ ટંકારવી ~ લઈને તમારું & યાદોનાં * Adam Tankarvi”

Scroll to Top