અદમ ટંકારવી ~ ચાર ગઝલ * Adam Tankaravi

🥀 🥀

*દાવો નથી*

છે ફક્ત રિસામણું ઝઘડો નથી
આ ગઝલ ડૂસકું જ છે ઠૂઠવો નથી

કોઈ બાળક થાય રાજી જોઈને
એટલો ભોળો કોઈ ચહેરો નથી

પાવા ક્યાં વાગે છે મારા શ્વાસમાં
તારી આંખોમાં હવે મેળો નથી

તળિયાઝાટક છે ઉમંગો એમના
ને અમારો હર્ષ તો માતો નથી

હસતાંહસતાં એને પી નાખો હવે
ઘૂંટડો કંઈ એટલો કડવો નથી

ચોરપગલે પંડમાં પાછા વળો
એ વગર બીજો કોઈ રસ્તો નથી

કોઈ મુશ્કેટાટ બાંધે છે મને
આ ગઝલ લખ્યા વગર છૂટકો નથી

કહેવા સુણવાનો જ લ્હાવો છે અદમ
શબ્દ કેવળ શબ્દ છે દાવો નથી

~ અદમ ટંકારવી (27.9.1940)

🥀 🥀

*અજવાળું છે*

અરૂપરુ અજવાળું છે.
તારું રૂપ નિરાળું છે.

એના હોઠ સીવાઈ ગયા
મારા મોઢે તાળું છે.

ક ખ ગ નું કીડિયારું
કરોળિયાનું જાળું છે.

ઝળઝળાં તારા પગલે
પાદર પણ ઉજમાળું છે.

કુલટા પેન કુટિલ કાગળ
પાછું એ જ છિનાળું છે.

અર્થો પણ નાદાર અને
શબ્દોનું દેવાળું છે.

જીભાજોડી છોડ ‘આદમ’
કજિયાનું મોં કાળું છે.

~ અદમ ટંકારવી

🥀 🥀

*ગમી છે ગઝલ*

ચિબાવલી છતાં ગમી છે ગઝલ
કે પડોશીની છોકરી છે ગઝલ

માએ માંડેલી વારતામાંથી
ઊડી ગયેલી તે પરી છે ગઝલ

તારા પગલામાં ફૂંક મારી તો
એની અંદરથી નીકળી છે ગઝલ

હાથમાંથી ગયો પાલવ સરકી
તે પછી મુઠ્ઠીમાં બચી છે ગઝલ

છે સુખનફહેમ ગામની છોરી
નવમા ધોરણમાં એ ભણી છે ગઝલ

અમને દઈ ગઈ જે હાથતાળી સદા
એ હથેળી ઉપર લખી છે ગઝલ

શ્વાસની ટોચે લોહીને તળિયે
અમને ક્યાં ક્યાંથી આ જડી છે ગઝલ

કાફિયો ખેંચતા દુશાસનને
ક્યાં ખબર છે કે દ્રૌપદી છે ગઝલ

હતી તત્સમ હજી ગઈકાલ સુધી
આ જ તદ્ભવ બની ગઈ છે ગઝલ

આમ જુઓ તો બાદશાહી છે
આમ જુઓ તો ચાકરી છે ગઝલ

આંસુ માગ્યું તમે અક્ષરરૂપે
ને અમે ભેટમાં ધરી છે ગઝલ

દુનિયાદારીના છેદ ઊડી ગયા
તે પછી શેષમાં રહી છે ગઝલ

સંકોચાઈને હાઇકુ થઈ ગઈ
આજ કંઈ એટલી રૂઠી છે ગઝલ

ગાલગા ગાલગા જેવું છે કશુંક
ક્યાં હજી પૂરીપાધરી છે ગઝલ

એક મલાજાની આણ આપીને
આ કળિયુગમાં સાચવી છે ગઝલ

એ જ છે આપણી નિશાળ હવે
પેન પાટી ને ચોપડી છે ગઝલ

હાથમાં લઉં તો છે કરતાલ અદમ
ફૂંક મારું તો વાંસળી છે ગઝલ

~ અદમ ટંકારવી

🥀 🥀

*કોઈની પડી નથી*

છે તૉર એનો એવો કોઈની પડી નથી
આ ગામમાં જાણે કે બીજી છોકરી નથી

અધ્ધર ઉપાડી કોઈએ સપનામાં એકવાર
બસ ત્યારથી ધરતી ઉપર પગ મૂકતી નથી

પ્રતિબિંબ પણ કોઈનું એમાં હોવું જોઈએ
આ કાચની તકતી જ ફક્ત આરસી નથી

પંડિતજી પોથીમાં શું શોધો છો ક્યારના
ત્યાં સ્વર્ગથી અપસરા કોઈ ઊતરી નથી

આ આપણા સમયનો છે યુગબોધ એટલો
બાળક હવે બાળક નથી, પરી પરી નથી

એ હોઠ શું જે હોઠ પર ના હોય તારું નામ
એ આંખ શું જે આંખમાં તારી છબી નથી

એને તે એટલી તો ફટવી દીધી ‘અદમ’
કે આ ગઝલ કોઈને હવે ગાંઠતી નથી

~ અદમ ટંકારવી (27.9.1940)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

5 thoughts on “અદમ ટંકારવી ~ ચાર ગઝલ * Adam Tankaravi”

  1. હરીશ દાસાણી.મુંબઈ

    અદમ ટંકારવીનો અલગ અંદાજ,અલગ મિજાજ

  2. ગઝલને માફક એવો મિજાજ સાથે ત્રણે ગઝલ ઉતરી આવી છે.અભિનંદન.

Scroll to Top