🥀 🥀
*ગમી હતી*
સંકટભરી છતાંય મને એ ગમી હતી,
મેં જિન્દગીને આપની બક્ષિસ ગણી હતી.
બહેલાવી ના શક્યો કદી દિલ આપના વગર,
ચીજોની આ જગતમાં ભલા ક્યાં કમી હતી.
બેઠા હતા અમે અને જલતું હતું હૃદય,
તેથી જ તો એની સભામાં રોશની હતી.
અફસોસ કે દુનિયાએ બનાવી હજાર વાત,
નહિતર અમે તો એક બે વાતો કરી હતી.
દર્શન થયા નહીં એ મુકદ્દરની વાત છે,
આંખો તો ઇંતેજારમાં ખુલ્લી રહી હતી.
~ અદમ ટંકારવી
@@
*પાન જેવું*
સ્મરણ લીલું કપૂરી પાન જેવું
હવામાં ચોતરફ લોબાન જેવું
ઉડાડી છેક દરિયાપાર લઈ ગઈ
હસી એક છોકરી વિમાન જેવું
ઉઘાડી આંખ છે મેં દૃશ્ય ગાયબ
સહજમાં થઈ ગયું છે ધ્યાન જેવું
હશે આ ઘરની બારીનેય આંખો
હશે આ ભીંતને પણ કાન જેવું
ખબરઅંતર પૂછે ખેરાત જાણે
કરે છે સ્મિત તે પણ દાન જેવું
ઊભી પૂછડીએ જે ભાગી રહ્યું છે
એ લાગે છે કોઈ ઇન્સાન જેવું
હતું જે સ્વપ્નમાં રેશમ ને મલમલ
ને જાગી જોઉં તો કંતાન જેવું
અદમ આ શ્વાસની ખીંટીએ લટકે
અમારું હોવું ખાલી મ્યાન જેવું.
~ અદમ ટંકારવી

બીજી ગઝલ વધુ ગમી
ખુબ સરસ ગઝલો ખુબ ગમી
અદમભાઈ એટલે ગુજલિશ ગઝલો એવું સમીકરણ છે પરંતું એથી હટકે આ ગઝલો ભાવકને સ્પર્શી જાય છે.