અનિલ ચાવડા ~ કોઈ ચિઠ્ઠી * Anil Chavda

કામ નહિ આવે

કોઈ ચિઠ્ઠી કામ નહિ આવે, ચબરખી કામ નહિ આવે;
જિંદગીના પાઠમાં પેન્સિલ બટકણી કામ નહિ આવે.

બાંય કે રૂમાલથી જાતે જ એને લૂછવાં પડશે,
આંસુ સુકવવા કદી કોઈ વળગણી કામ નહિ આવે.

ડૂબકી ખુદમાં જ મારીને પ્રભુને શોધવાના છે,
કોઈ માળાની કે મણકાની ગણતરી કામ નહિ આવે.

આ વખત પાણી નહિ પણ જિંદગી ડ્હોળાઈ છે મિત્રો,
સ્વચ્છ એને રાખવા માટે ફટકડી કામ નહિ આવે.

સ્હેજ અમથા આંચકે છૂટી જવું કંઈ પ્રેમમાં શોભે?
હોય બંધાવું જ, તો ગાંઠો સરકણી કામ નહિ આવે.

~ અનિલ ચાવડા

કામ આવે માત્ર પોતાની જાત અને આત્મવિશ્વાસ…. ગઝલ કેવા સરસ અંદાજમાં આ વાત રજૂ કરે છે.  

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

1 thought on “અનિલ ચાવડા ~ કોઈ ચિઠ્ઠી * Anil Chavda”

Scroll to Top