અનિલ જોશી ~ અમે બરફના & એક ઝાડને * Anil Joshi

🥀 🥀

*અમે બરફનાં પંખી*

અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં.

લૂમાં તરતો ઘોર ઊનાળો અમે ઉઘાડે ડિલે,
ઓગળતી કાયાના ટીપાં કમળપાંદડી ઝીલે,
ખરતા પીંછે પછડાતી બપ્પોર મૂકીને નીકળ્યા !
અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં.

લીલા-સૂકા જંગલ વચ્ચે કાબરચીતરા રહીએ,
નભમાં ઊડતાં સાંજ પડે તો સોનલવરણાં થઈએ,
રાત પડે ને ડાળ ઉપરથી કોયલ થઈને ટહુક્યાં
અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં.

~ અનિલ જોશી

*****

*બની ગયું ગુલમહોર*

એક ઝાડને લાલ કીડીએ ચટકા એટલા ભરિયા કે તે બની ગયું ગુલમહોર !
પાંખ વીંઝતો ડાળ ઝુલાવી કાકડિયો કુંભાર ઊડ્યો કે આખેઆખા જંગલમાં કલશોર.

વાદળાં હતાં તે બધાં વરસી ગયાં હવે પાણીમાં નથી રહ્યાં જૂથ;
કાગડાના માળામાં તરણાં હતાં તે કહે : ‘સૂગરીની ચાંચ, મને ગૂંથ’
કાબરચીતરી ભોય ઉપરથી સાવ અચાનક ઊડ્યાં તણખલાં અટવાયાં જઈ થોર
એક ઝાડને લાલ કીડીએ ચટકા એટલા ભરિયા કે તે બની ગયું ગુલમહોર !

લૂગડાં માફક ક્યાંક સૂકાતું તિરાડના ચિતરામણ પહેરી કાદવિયું મેદાન;
નીલ ગગનમાં કુંજડીઓની હાર લગોલગ ધુમાડાની કેડી પાડી ઊડતું એક વિમાન…
સ્હેજ અમસ્તી ડાળ હલી કે પડછાયાના હડસેલાથી ફર્રક કરતો ખડી ગયો ખડમોર !
એક ઝાડને લાલ કીડીએ ચટકા એટલા ભરિયા કે તે બની ગયું ગુલમહોર !

~ અનિલ જોશી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

5 thoughts on “અનિલ જોશી ~ અમે બરફના & એક ઝાડને * Anil Joshi”

  1. કવિશ્રી અનિલ જોશીના બંને ગીતો અતિ સુંદર,, દ્રશ્યાત્મકતા અને લયવિહારનું ઉત્કૃષ્ટ શિખર ! વાહ! કવિશ્રીને હાર્દિક અભિનંદન !

  2. લય માધુર્યના કવિ અનિલ જોશી લાજવાબ છે.

Scroll to Top