ખૂણામાં ખાલી અરમાનો બળે છે
અમસ્તા જ આ લોકો ટોળે વળે છે
એમ તો ઘા પર રુઝ આવી ગઇ છે
એકાદ જખમ જીવનભર કળે છે
મેરુ ચળ્યાની વાત સાચી જ લાગે છે
એમ નેમ કંઇ નિર્ધારો થોડા ચળે છે
મારે કદીય એકલા ક્યાં રહેવું પડે છે
આ પડછાયા આવી રોજ મને મળે છે.
એમણે મીઠાશ કદી છોડી જ કયાં છે
ભલે અંતે તો ખારા સાગર માં ભળે છે
~ અનિલ જોશી
અઘોર યાતનામાંથી પ્રસવતી
નવજાત સ્વતંત્રતાની આંખ
ખૂલી ન ખૂલી ત્યાં
સમુદ્રના તરંગો ઊછળી પડ્યા.
યાતનાનું તરફડવું અને બરફનું ઓગળવું
એટલે ગંગા થઈ જવું.
શિશિરના હૂંફાળા તડકામાં
ચકરાવા લેતા કબૂતરનું પ્રતિબિંબ
ગંગાનાં પાણીમાં પડ્યું
ને પાણી વર્તુળાઈ ગયું સફરજનની જેમ.
ને એના વર્તુળો તો છેક કાંઠે જઈને તૂટ્યાં
ને એ તૂટતાં વર્તુળોમાં
અમે તમારો ગુલાબી ચહેરો જોયો છે.
અમે નાના હતા ત્યારે
ચોપડી વાંચતાં વાંચતાં
પાનું ભૂલાઈ ન જાય એ માટે
ચોપડીમાં મોરપીંછ રાખતા
તો ક્યારેક વળી
સુકાઈ ગયેલું ગુલાબ રાખતા.
આજે મોટા થયા છીએ ત્યારે
ઈતિહાસનું પાનું યાદ રાખવા માટે
અમે કારતૂસો રાખીએ છે.
~ અનિલ જોશી

અનિલભાઈ જોશીની કાવ્યયાત્રા નવા શિખર પર આરોહણ કરી રહી છે.
અનિલભાઈ જોશી ખરેખર કાવ્યનું કલ્પવૃક્ષ છે…
વાહ, સરસ રચનાઓ 👌👌
વાહ ખુબ સરસ કાવ્યો અભિનંદન કાવ્ય વિશ્વ
અનિલ જોશી અવારનવાર પોખાયેલા કવિ છે. બંને રચનાઓ એની સાહેદી પૂરે છે.ધન્યવાદ.
ખૂબ સરસ રચનાઓ, ગમી.