અનિલ જોશી ~  ધણ છૂટ્યાની ઘંટડીઓના * Anil Joshi

ધણ છૂટ્યાની ઘંટડીઓનાં ઝાંઝર પહેરી વડલાની વડવાઇ ઝાલીને –
સાંજ હીંચકા ખાય

ને ઊડતી ધૂળનું થાય વાદળું એવું તો ઘનઘોર કે જાણે ધણની ગાયું –
કણકણ થઇને ગોરજમાં વિખરાય.

સાવ અચાનક કાબર-ટોળું ડાળ ઉપરથી ઊડ્યું ને ત્યાં એક પાંદડું તૂટ્યું
વડલાનાં લીલાં પાન વચાળે લાલચટક આકાશ થઇને લાલ પાંદડું ફૂટ્યું
ધૂળની ડમરી ચડતાં એમાં ચક્કર ચક્કર ફરતાં મારા શૈશવના કણ –
પાદરમાં ઘૂમરાય.
ધણ છૂટ્યાની ઘંટડીઓનાં ઝાંઝર પહેરી વડલાની વડવાઇ ઝાલીને –
સાંજ હીંચકા ખાય.

ખડના પૂળા લઇ હાથમાં પાછા વળતા લોકવાયરે ઊડતી જાય પછેડી
ઘઉંના ખેતર વચ્ચે થઇને સીમપરીની સેંથી સરખી ગામ પૂગતી કેડી
ધીમે ધીમે ખળાવાડમાં કમોદની ઊડતી ફોતરીઓ વચ્ચે થઇને
સાંજ ઓસરી જાય.
ધણ છૂટ્યાની ઘંટડીઓનાં ઝાંઝર પહેરી વડલાની વડવાઇ ઝાલીને –
સાંજ હીંચકા ખાય……

~ અનિલ જોશી

@@

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

5 thoughts on “અનિલ જોશી ~  ધણ છૂટ્યાની ઘંટડીઓના * Anil Joshi”

  1. હરીશ દાસાણી.મુંબઈ

    અપૂર્વ કલ્પનો,રણકતા શબ્દો તથા પ્રલંબ લયના સુંદર સંયોજનથી શોભાયમાન વિલોભનીય પ્રકૃતિ ગીત

  2. ગીતમાં લાંબી પંક્તિઓની રચનાઓ માટે કવિ જાણીતા છે. લયની સાથે કાવ્યતત્વ જાળવી રાખવું એ ઘણી સજ્જતા માગી લેતું હોય છે. વંદન, અભિનંદન.

Scroll to Top