🥀🥀
*કંકુના પગલાં*
લીલુડા પાંદડાની ઉછળતી વેલ, હવે કંકુના પગલાં દઈ ચાલી
રાખડીના તાંતણે બાંધેલું ફળિયું, હવે લાગે છે સાવ ખાલી ખાલી
દીકરીનો માંડવો જો સૂરજને ઘેર હોત, તો જાણત અંધારું શી ચીજ છે !
ફળના આંબામાં જે પાંદડા ઝૂલે, એની ભીતર કઇ મમતાનું બીજ છે ?
ધીમા પગલાથી ઉંબરો ઓળંગતી, આંસુની આંગળીને ઝાલી…..
દીકરી વળાવતાં એવો રિવાજ કે તળાવ સુધી હાર્યે તો જાવું
ઊઘલતી જાન ટાણે આખ્યું તો દરિયો ! કહે તળાવ સુધી વળાવા આવું ?
જાગરણની રાતે તું રમતી જે રાસ, એની ખોવાઇ ગઇ છે ક્યાંય તાલી…….
~ અનિલ જોશી
વાહ ખુબ સરસ ગીત ખુબ ગમ્યુ
વાહ, સરસ ગીત દીકરી વળાવવાનું અને એના રમતિયાળ બાળપણની યાદો.